પટનાઃ કોરોના લોકડાઉનના કારણે પ્રવાસી મજૂરો ગૃહ રાજ્ય પરત ફરી રહ્યા છે. આ સ્થિતિમાં બિહારના શ્રમિકો પણ મોટી સંખ્યામાં પરત આવી રહ્યા છે. જેના કારણે રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો વધી ગયો છે. બિહાર સરકારે રાજ્યમાં વધતા કોરોનાના મામલાને લઈ એક મોટો ફેંસલો લીધો છે. હવે સુરત, અમદાવાદ, મુંબઈ, પુણે, દિલ્હી, ગાઝિયાબાદ, ગુડગાંવ, નોઇડા, કોલકાતા અને બેંગલુરુથી બિહાર આવતા પ્રવાસી મજૂરોને બ્લોક સ્તરના કોરેન્ટાઈન કેમ્પમાં રાખવામાં આવશે.


સરકારે પટના સહિત રાજ્યના તમામ જિલ્લાના ડીએમ અને સિવિલ સર્જનને આ અંગેનો આદેશ આપવામાં આવ્યો છે. દેશના અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓને વિલેજ કોરન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવશે. તેમના પર દેખરેખ રાખવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે, ઓછા પ્રભાવિત જિલ્લામાં આવતાં સંક્રમણનો ખતરો થોડો ઓછો હોય છે તેથી તેમને ત્યાં રાખવામાં આવશે.


સિવિલ સર્જન ડો. રાજ કિશોર ચૌધરીએ જણાવ્યું, સૌથી વધારે ખતરો દિલ્હી, મુંબઈ અને ગુજરાતથી આવનારા શ્રમિકોથી છે. શ્રેણીમાં વહેંચીને કોરન્ટાઈન કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેનાથી દેખરેખ રાખવામાં ઘણી સરળતા રહેશે. અત્યાર સુધીમાં અઢી લાખથી વધારે પ્રવાસી શ્રમિકો અન્ય રાજયમાંથી બિહાર આવી ચુક્યા છે.

આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે બિહારમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2177 પર પહોંચી છે. જ્યારે 11 લોકોના મોત થયા છે અને 629 લોકો સાજા થઈ ગયા છે.