ચંદીગઢઃ ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહને સોમવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિ આવ્યા બાદ તેઓ ઘરમાં આઇસોલેટ થયા હતા. તેમના પુત્ર અને ટોચના ગોલ્ફર જીવ મિલ્ખા સિંહે જણાવ્યું હતું કે, અગમચેતીના ભાગરૂપે તેમને ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
91 વર્ષીય મિલ્ખા સિંહનો ગત બુધવારે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી તેઓ ચંદીગઢ સ્થિત પોતાના ઘરે આઇસોલેટ થઈ ગયા હતા. હોસ્પિટલના સિત્રોએ જણાવ્યું કે, મિલ્ખા સિંહની તબિયત સ્થિર છે.
જીવે કહ્યું, તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમને ખૂબ જ અશક્તિ લાગી રહી હતી અને ગઈ કાલથી તેઓ કંઇ ખાઈ રહ્યા નહોતા. જેથી અમારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. જોકે, તેમનું સ્વાસ્થ્ય સારું લાગી રહ્યું છે, પરંતુ અમે વિચાર્યું કે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવા જ સારું રહેશે. કેમકે, હોસ્પિટલમાં તેઓ સિનિયર તબીબોની નજર હેઠળ રહેશે. જીવ પોતાના પિતાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ શનિવારે દુબઇથી અહીં પહોંચ્યા હતા.
મિલ્ખા સિંહે રિપોર્ટ આવ્યા પછી જણાવ્યું હતું કે, તેમના બે ઘરના સહાયક સંક્રમિત થયા પછી તેમના પરિવારના અન્ય સભ્યોએ પણ ટેસ્ટ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, બુધવારે તેમના પત્ની નિર્મલ કૌર સહિત પરિવારના અન્ય કોઈ સભ્યનો રિપોર્ટ પોઝિટિવ નહોતો આવ્યો.