પોતાની નાની બહેનને ખોળામાં લઈને શાળાએ જતી 10 વર્ષની મણિપુરની છોકરીની તસવીરે નેટીઝન્સ અને મણિપુરના વીજળી, વન અને પર્યાવરણ મંત્રી વિશ્વજીત સિંહનું દિલ જીતી લીધું છે. ચોથા ધોરણમાં અભ્યાસ કરતી 10 વર્ષની વિદ્યાર્થિની મિનિંગસિન્લિયુ પમેઈ તેની નાની બહેનની સંભાળ રાખતી શાળાએ પહોંચી હતી, કારણ કે તેના માતાપિતા ખેતીમાં વ્યસ્ત હતા. આ તસવીરે વિશ્વજીત સિંહનું ધ્યાન ખેંચ્યું. તેમણે લખ્યું, શિક્ષણ પ્રત્યેના તેમના સમર્પણથી મને આશ્ચર્ય થયું. મણિપુરના તામેંગલોંગની 10 વર્ષની પમેઈ તેની બહેનની સાર સંભાળ રાખે છે અને સાથે સાથે શાળામાં ભણે પણ છે. તે તેની નાની બહેનને ખોળામાં રાખીને અભ્યાસ કરે છે.


 






મંત્રીએ કહ્યું કે, તેમણે આ નાની બાળકીના પરિવારનો સંપર્ક કર્યો છે અને તેમને મિનિંગસિન્લિયુને ઇમ્ફાલ લાવવા કહ્યું છે. સિંહે કહ્યું કે તે સ્નાતક થાય ત્યાં સુધી મેઈનિંગસિન્લિયુના શિક્ષણની કાળજી લેશે. સિંહે ટ્વીટ કરીને લખ્યું, જેવા મે સોશિયલ મીડિયા પર આ સમાચાર જોયા કે તરત જ અમે તેના પરિવારને શોધી કાઢ્યો અને તેમને ઇમ્ફાલ લાવવા કહ્યું. તેણીના પરિવાર સાથે વાત કરી કે તે ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી હું તેના શિક્ષણની સંભાળ અંગત રીતે રાખીશ. તેના સમર્પણ પર અમને ગર્વ છે.


વિશ્વજીત સિંહના ટ્વીટને રીટ્વીટ કરતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લખ્યું, આ સશક્ત તસવીર આપણા બાળકો, ખાસ કરીને છોકરીઓની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. શિક્ષા પ્રત્યે સમર્પણ અને પોતાના માટે વધુ સારું જીવન બનાવવાના તેમના દ્રઢ સંકલ્પ માટે યુવા મિનિંગસિન્લિયુ પમેઈથી પ્રભાવિત છે. તેમને મારા આશિર્વાદ.


રિપોર્ટ પ્રમાણે મિનિંગસિન્લિયુ પરિવાર ઉત્તર મણિપુરના તામેંગલોંગ જિલ્લામાં રહે છે. મણિપુરના તામેંગલોંગ જિલ્લાની ડેલોંગ પ્રાથમિક શાળામાં આ 10 વર્ષની છોકરી અભ્યાસ કરે છે. આ તસવીરે નેટીઝન્સના હૃદય પર એક છાપ છોડી દીધી, જેમણે નાની છોકરીના શિક્ષણ અને તેની બહેન પ્રત્યેના સમર્પણ માટે પ્રશંસા કરી.