નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રાલયે અનલૉક 3 માટે ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. ગાઈડલાઈન અનુસાર હવે કોરોના કન્ટેનમેન્ટ ઝોનની બહાર વધુ છૂટછાટ આપવામાં આવી છે. હવે નાઈટ કર્ફ્યૂ લાગુ નહી રહે. યોગ સંસ્થા અને જીમ 5 ઓગસ્ટથી ખોલી શકાશે. અનલોક-3 પહેલી ઓગસ્ટથી અમલી બનશે.


કન્ટેનમેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ 2020 સુધી લોકડાઉનના પ્રતિબંધોમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે.

સ્વતંત્રતા દિવસ નિમિતે કાર્યક્રમો સોશિયલ ડિસ્ટન્ડિંગ તેમ જ અન્ય આરોગ્ય સંબંધિત પ્રોટોકોલ જેવા કે માસ્ક પહેરવા વગેરેનું પાલન કરીને યોજવા મંજૂરી આપવામાં આવશે. વંદે ભારત મિશન અંતર્ગત મર્યાદિત સ્થિતિમાં જ મંજૂરી આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ અંગે સરકાર બાદમાં નિર્ણય લેશે.

ગાઈડલાઈન પ્રમાણે, સ્કૂલ, કોલેજ, સાર્વજનિક કાર્યક્રમ અગાઉની જેમ બંધ રહેશે. કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં મેટ્રો રેલ, સિનેમાં, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિએટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી.