નવી દિલ્હી: ગોવા બાદ દેશનું વધુ એક રાજ્ય કોરોના મુક્ત થયું છે. મિઝોરમમાં શનિવારે એકમાત્ર કોરોના સંક્રમિત દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતા રાજ્ય કોરોના મુક્ત થઈ ગયું છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. તેઓએ કહ્યું કે, મિઝોરમ હવે પૂર્વોત્તરના ચાર અન્ય રાજ્યો મણિપુર, સિક્કિમ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશની જમાતમાં સામેલ થઈ ગયું છે.

મિઝોરમના આરોગ્ય મંત્રી ડૉક્ટર આર લલથાંગલિયાનાએ કહ્યું કે રાજ્યમાં કોવિડ-19ના એકમાત્ર દર્દી, પાદરીને 45 દિવસની સારવાર બાદ શનિવારે જોરમ મેડિકલ કોલેજમાંથી રજા આપવામાં આવી હતી. તેમના સતત ચાર વખત ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તમામ રિપોર્ટમાં સ્વસ્થ હોવાની પુષ્ટી બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.



આ પહેલા ગોવાએ પણ કોરોના વાયરસ વિરુધ્ધની લડાઈમાં જીત મેળવી હતી. અહીં કુલ 7 કેસ સામે આવ્યા હતા, આ તમામ દર્દીઓ સ્વસ્થ થઈ જતા રાજ્યને કોરોના મુક્ત જાહેર કર્યું હતું, હાલ અહીં એક પણ કોરોના કેસ નથી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 59,662 પર પહોંચી ગઈ છે. કોરોનાથી શનિવાર સુધીમાં 1981 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં 39834 લોકોની સારવાર ચાલી રહી છે જ્યારે 17,846 લોકો સ્વસ્થ થઈ ગયા છે.