નવી દિલ્હીઃહરિયાણાના મુખ્યમંત્રી પદની શપથ લેવા જઈ રહેલા મનોહર લાલ ખટ્ટરે કહ્યું તેમની સાથે જેજેપીના દુષ્યંત ચૌટાલા ઉપમુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહનું આયોજન રાજભવનમાં થશે. કાલે બપોરે 2.15 મિનિટ પર મનોહર લાલ ખટ્ટર મખ્યમંત્રી પદના અને દુષ્યંત ચૌટાલા ઉપમુખ્યમંત્રી પદના શપથ લેશે. મનોહર લાલખટ્ટર અને દુષ્યંત ચૌટાલાએ શનિવારે રાજ્યપાલ સત્યપાલ નારાયણ આર્યને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. જે સ્વીકારતાં રાજ્યપાલે તેમને સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા છે. ખટ્ટરે રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ જણાવ્યું કે કાલે બપોરે તેઓ રાજભવનમાં શપથ લેશે. તેમણે સીએમ પદનું રાજીનામું પણ રાજ્યપાલને સોંપી દીધું છે, જે તેમણે સ્વીકારી લીધું છે.
મનોહર લાલ ખટ્ટરને શનિવારે ભાજપા ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. જે બાદ તેમણે હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. રાજ્યપાલે તેમનો દાવો માન્યા બાદ હરિયાણામાં પણ ભાજપ અને જેજેપીની ગઠબંધન સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. જેજેપી નેતા દુષ્યંતે ભાજપના સમર્થનને લઈ પોતાનો પત્ર રાજ્યપાલને સોંપી દીધો છે. આ બંને નેતાઓ સિવાય અન્ય કેટલા નેતા શપથ લેશે તે જાણકારી હજુ સામે આવી નથી.
હરિયાણાની 90 સીટમાંથી ભાજપને 40 અને જેજેપીને 10 સીટ મળી છે. બહુમતનો આંકડો રાજ્યમાં 46 સીટનો છે. એવામાં ભારતીય જનતા પાર્ટી જેજેપીના સમર્થનથી સરકાર બનાવી રહી છે. રાજ્યમાં કોંગ્રેસને 31 સીટ પર જીત મળી છે.