Modi Cabinet Decisions: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે (6 એપ્રિલ) કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠક પીએમના નિવાસસ્થાને યોજાઈ હતી. જેમાં સીએનજી અને પીએનજીના ભાવમાં રાહત આપવામાં આવી છે. કેબિનેટે સંશોધિત ઘરેલું ગેસ કિંમત નિર્ધારણ માર્ગદર્શિકાને મંજૂરી આપી છે. જે પછી PNG પર લગભગ 10 ટકાનો ઘટાડો થશે અને CNG પર પણ 5 થી 6 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થશે.


બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટે ગેસના ભાવ નિર્ધારણ માટેના નવા ફોર્મ્યુલાને મંજૂરી આપી છે, જેમાં સીએનજી અને પાઈપલાઇનથી પહોંચાડવામાં આવતા રાંધણ ગેસની કિંમતોની ટોચમર્યાદા નક્કી કરવામાં આવી છે. સ્થાનિક ગેસની કિંમત હવે આંતરરાષ્ટ્રીય હબ ગેસને બદલે આયાતી ક્રૂડ સાથે જોડાયેલી છે અને સ્થાનિક ગેસની કિંમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટની આંતરરાષ્ટ્રીય કિંમતના 10 ટકા હશે. આ અંગે દર મહિને નિર્ણય લેવામાં આવશે. સામાન્ય ઘરેલું ઉપભોક્તાથી લઈને ખેડૂતો અને ડ્રાઈવરો સુધી દરેકને ફાયદો થશે.


અનુરાગ ઠાકુરે શું કહ્યું?


તેમણે માહિતી આપી હતી કે કેબિનેટે એપીએમ ગેસ માટે 4 ડોલર પ્રતિ એમએમબીટીયુની મૂળ કિંમતને મંજૂરી આપી છે અને 6.5 ડોલર પ્રતિ એમએમબીટીયુની ટોચમર્યાદા કિંમતને મંજૂરી આપી છે. એપીએમ ગેસ તરીકે ઓળખાતા પરંપરાગત અથવા જૂના ક્ષેત્રોમાંથી ઉત્પાદિત કુદરતી ગેસ હવે યુએસ, કેનેડા અને રશિયા જેવા સરપ્લસ દેશોની જેમ ક્રૂડ ઓઈલના ભાવ સાથે જોડવામાં આવશે. અગાઉ તેમની કિંમતો ગેસના ભાવના આધારે નક્કી કરવામાં આવતી હતી.


દિલ્હી-મુંબઈમાં કેટલો ઘટશે ભાવ?


આ નિર્ણય બાદ દિલ્હીમાં CNGની કિંમતમાં લગભગ 6 રૂપિયાનો ઘટાડો થશે જ્યારે PNGની કિંમતમાં પણ 6 રૂપિયાનો ઘટાડો થશે. મુંબઈમાં CNGના ભાવમાં 8 રૂપિયા અને PNGના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો થશે. જ્યારે બેંગ્લોરમાં સીએનજીના ભાવમાં રૂ. 6 અને પીએનજીના ભાવમાં રૂ. 6.50નો ઘટાડો થશે. પુણેમાં સીએનજી અને પીએનજીના ભાવમાં 5-5 રૂપિયાનો ઘટાડો થશે.


નેશનલ સ્પેસ પોલિસી 2023ને મંજૂરી મળી


કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે કેબિનેટે નેશનલ સ્પેસ પોલિસી 2023ને મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત ISRO, NewSpace India Limited અને ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ જેવી સંસ્થાઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકારે અગાઉ આ ક્ષેત્રમાં ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે સ્પેસ સેક્ટર ખાનગી કંપનીઓ માટે ખોલ્યું હતું.  જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે નીતિનો ઉદ્દેશ્ય અવકાશ વિભાગ, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) મિશન પ્રવૃત્તિઓની ભૂમિકાને વધારવાનો અને સંશોધન, શૈક્ષણિક, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગોની વધુ ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે