નવી દિલ્હી: દિલ્હીમાં  1734 ગેરકાયદેસર કોલોનીઓને નિયમિત કરવા બદલ વડાપ્રધાન મોદીને ધન્યવાદ આપવા માટે રામલીલા મેદાનમાં ભાજપની રેલી શરૂ થઇ ગઇ છે. લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ ભાજપના કાર્યકર્તાઓ પાસે એક નવો નારો લગાવ્યો હતો. તેમણે નારો લગાવ્યો કે વિવિધતામાં એકતા, ભારતની વિશેષતા. વડાપ્રધાને કહ્યુ કે, 40 લાખ લોકોના જીવનમાં એક નવી સવાર આવી છે. ચિંતા હટવાની ખુશી તમારા ચહેરા પર જોઇ રહ્યો છું. આ નવો અવસર ભાજપને મળ્યો છે. આજે દિલ્હીના લોકોને સંપૂર્ણ અધિકાર મળ્યો છે. આઝાદીના આટલા દાયકાઓ બાદ પણ આટલી મોટી વસ્તીને અનિશ્વિતતા, ડર, છળ, કપટ અને જૂઠા ચૂંટણી  વચનોથી પસાર થવું પડ્યું.

CAA પર વિરોધને લઇને વડાપ્રધાન મોદીએ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યુ કે, આજે મમતા બેનર્જી કોલકત્તાથી સીધા સંયુક્ત રાષ્ટ્ર પહોંચી ગયા. પરંતુ થોડા વર્ષો અગાઉ આ જ મમતા દીદી સંસદમાં ઉભા થઇને બોલી રહ્યા હતા કે બાંગ્લાદેશથી આવનારા ઘૂસણખોરોને રોકવામાં આવે, ત્યાંથી આવેલા પીડિત શરણાર્થીઓની મદદ કરવામાં આવે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, ભારતમાં કોઇ ડિટેન્શન સેન્ટર નથી. જે લોકો દેશમાં જૂઠ અને અફવા ફેલાવી રહ્યા છે. એ લોકોને ઓળખવાની જરૂર છે. આવા બે પ્રકારના લોકો છે. એક એવા લોકો છે જેમની રાજનીતિ દાયકાઓ સુધી વોટબેન્ક પર આધારિત રહી છે અને બીજા એવા લોકો છે જેમને આ પ્રકારની રાજનીતિથી લાભ થયો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદો ભારતના કોઇ પણ નાગરિક કે પછી તે હિંદુ હોય કે મુસલમાન હોય એમના માટે નથી. આ વાત સંસદમાં કરવામાં આવી છે. આ કાયદો દેશની અંદર રહેતા 130 કરોડ લોકો સાથે કોઇ લેવાદેવા નથી.

વડાપ્રધાને કહ્યુ કે, કોગ્રેસ અને અર્બન નક્લસીઓ દ્ધારા ફેલાવવામાં આવેલી ડિટેન્શન સેન્ટરની વાત એકદમ ખોટી છે. જે હિંદુસ્તાનની માટીના મુસલમાન છે તેમને નાગરિકતા કાયદો અને એનઆરસી બંન્ને સાથે કોઇ લેવાદેવા નથી. સીએએનો ફાયદો નવા શરણાર્થીઓને મળશે નહીં. આ એક્ટ એ લોકો પર લાગુ થશે જે વર્ષોથી ભારતમાં રહે છે. કોઇ નવા શરણાર્થીઓને આ કાયદાથી ફાયદો નહી થાય. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાંથી ધાર્મિક ઉત્પીડનનો સામનો કરતા લોકોને સુરક્ષા આપવા માટેનો આ કાયદો છે.

PM મોદીએ કહ્યુ કે, છેલ્લા પાંચ વર્ષમાં અમારી સરકારે દોઢ કરોડથી વધુ ગરીબોને ઘર બનાવીને આવ્યા છે. અમે ક્યારેય કોઇને ધર્મ પૂછ્યો નથી. કેટલાક લોકો દેશને ગુમરાહ કરી રહ્યા છે. આયુષ્યમાન યોજનામાં 70 લાખ લોકોની સારવાર કરવામાં આવી, શું કોઇને ધર્મ અંગે પૂછવામાં આવ્યુ. ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેશને ડર અને અરાજકતાનો માહોલમાં ધકેલવાનો પ્રયાસ થઇ રહ્યો છે.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સમસ્યાઓને લટકાવી રાખવી અમારા સંસ્કાર નથી. કેટલાક બેશરમ લોકો ધીમી ગતિએ કામ કરતા કામને લટકાવી રાખતા હતા. વડાપ્રધાને કહ્યુ કે, છેલ્લી સરકારે દિલ્હી વાસીઓની સમસ્યાઓને ઇમાનદારીથી ઉકેલવા માટેની ઇચ્છા દર્શાવી નથી.

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, દિલ્હીમાં લોકોને ભડકાવવાની વાતો કરાઇ રહી છે અને આ માટે સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ કરાઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આગ ઓકવામાં આવી રહી છે. ભ્રમ ફેલાવનારા લોકો સીએએ પર ખોટું માહિતી ફેલાવી રહ્યા છે. હું એમની પાસેથી જાણવા માંગુ છું કે શું જ્યારે અમે દિલ્હીની ગેરકાયદેસર કોલોનીઓને કાયદેસર કરી ત્યારે શું કોઇએ તેમને પૂછ્યું હતું કે, તમારો ધર્મ શું છે. તમારી આસ્થા કઇ તરફ છે. તમે કઇ પાર્ટીના સમર્થક  છો? કેટલાક લોકો ખોટું બોલીને મુસ્લિમોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે.




વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, છેલ્લી સરકારોમાં અમીરોને છૂટ આપવામાં આવી અને ગરીબોનો હક છીનવવામાં આવ્યો. છેલ્લી સરકારોએ દિલ્હીના પોશ વિસ્તારોમાં 2000 બંગલાઓ વીઆઇપી લોકોને આપ્યા. તમે વિચારો જે લોકો પર તમે તમારા ઘરો નિયમિત કરવા માટેનો વિશ્વાસ મુક્યો હતો તેઓ પોતે શું કરી રહ્યા છે. આ લોકોએ ગિલ્હીના સૌથી પોશ અને સૌથી મોંઘા વિસ્તારોમાં બે હજારથી વધુ બંગલાઓ કાયદેસર રીતે પોતાના સગાઓને આપી દીધા. અમે તેમને ખાલી કરાવ્યા. તેમને તેમના વીઆઇપી મુબારક હો, મારા વીઆઇપી તો તમે છો.