નવી દિલ્હીઃ મોદી સરકારે આજે ઐતિહાસિક નિર્ણય લેતા જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધુ છે. રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંકલ્પ પ્રસ્તાવ રજૂ કર્યો, જેમાં જમ્મ-કાશ્મીરને મળેલા વિશેષાધિકારોને ખતમ કરી દીધા છે.


મોદી સરકાર નિર્ણય લેવામાં મોખરે છે, તેનું તાજુ ઉદાહરણ રાજ્યસભામાં જોવા મળ્યુ, અમિત શાહના સંકલ્પ પ્રમાણે, જમ્મુ-કાશ્મીર હવે રાજ્ય રહ્યું નથી પણ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયુ છે. વળી લદ્દાખને પણ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે, પણ ત્યાં વિધાનસભા નહીં હોય. ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરની કલમ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કરી દીધો છે, જેને રાષ્ટ્રપતિએ મંજૂરી પણ આપી દીધી છે.



ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે, રાષ્ટ્રપતિના અનુમોદન બાદ અનુચ્છેદ 370ના બધા ખંડ લાગુ નહીં થાય. એટલે કે સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાની ભલામણ કરી દીધી છે. આની સાથે જમ્મુ-કાશ્મીર રાજ્યના પુનર્ગઠનનો પણ નિર્ણય કર્યો છે.