નવી દિલ્હી: કેન્દ્ર સરકાર નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓ સાથે તૈયાર છે. તેમ કેન્દ્રીય કાયદામંત્રી રવિ શંકર પ્રસાદે જણાવ્યું છે. તેઓએ કહ્યું કે આ સંરચનાત્મક રીતે થવું જોઈએ. કાયદા મંત્રીએ શનિવારે ટ્વીટ કરીને કહ્યું  હતું કે, મોદી સરકાર તેમની સાથે સંવાદ કરવા અને સીએએ વિરુદ્ધ તેમની તમામ શંકા દૂર કરવા માટે તૈયાર છે. પણ એવું ત્યારે થશે જ્યારે શાહીન બાગના લોકો વાતચીત માટે તૈયાર થશે.

છેલ્લા દોઢ મહિનાથી સીએએ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનો મોરચો મહિલાઓએ સંભાળ્યો છે. વિરોધ પ્રદર્શનને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કેટલાક સામાજીક સંગઠનો અને રાજકીય પાર્ટીઓએ સમર્થન આપ્યું છે. તેથી જ દિલ્હીની વિધાનસભા ચૂંટણી માટે શાહીન બાગનું પ્રદર્શન એક મોટો મુદ્દો બન્યો છે અને તેના પર ખૂબ ચર્ચા થઈ રહી છે.

પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી આ કાયદો પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું પ્રદર્શન ચાલુ રહેશે. શાહીન બાગની જેમ દેશના અનેક રાજ્યોમાં પ્રદર્શન થઈ રહ્યાં છે. મુંબઈના નાગપાડા વિસ્તારમાં શુક્રવાર રાતથી પ્રદર્શન થઈ રહ્યું છે, અહીં પણ મોટી સંખ્યામાં મહિલાઓ પ્રદર્શન કરી રહી છે.