નવી દિલ્હીઃ મોદી સરકારે કેબિનેટ વિસ્તરણ પહેલા જ મોટો નિર્ણય કર્યો છે. મોદી સરાકરે આજે અનેક રાજ્યોમાં નવા રાજ્યપાલના નામની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ દ્વારા આજે આ નવા રાજ્યપાલના નામની જાહેરાત કરવામાં આવી છે.
કોને ક્યા રાજ્યના રાજ્યપાલ બનાવાયા
- થાવરચંદ ગેહલોત – કર્ણાટકના રાજ્યપાલ
- હરી બાબુ કમ્ભામ્પતી – મિઝોરમના રાજ્યપાલ
- મંગુભાઈ છગનભાઈ પટેલ – મધ્ય પ્રદેશના રાજ્યપાલ
- રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર – હિમાચલ પ્રદેશા રાજ્યપાલ
તો બીજી બાજુ હાલમાં મિઝોરના રાજ્યપાલ પીએસ શ્રીધરનન પિલ્લાઈને ગોવાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયમ આર્યને ત્રિપુરાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. ત્રિપુરાના રાજ્યપાલ રમેશ બાઈસને ઝારખંડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે અને હિમાચલના પ્રદેશા રાજ્યપાલ બંદારુ દત્તાત્રેયને હરિયાણાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, ગુજરાતના આ ત્રીજા નેતા છે જેઓ રાજ્યપાલ બન્યા છે. આ પહેલા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા હતા. જ્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદિબેન પટેલ છે અને હવે મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ બન્યા છે.
મોદી મંત્રીમંડળનું વિસ્તરણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનું વિસ્તરણ ચાલુ સપ્તાહે થશે. જોકે તેમાં એક દિવસનો વિલંબ થઈ શકે છે. ગઠબંધન સાથીઓ સાથે વાતચીત પૂરી ન થવાના કારણે મંત્રીમંડળ વિસ્તરણની તારીખ લંબાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મોદી મંત્રીમંડળમાં એક મંત્રાલય પર નીતિશ કુમાર માનતા નથી. નીતિશ તેમની પાર્ટીને ત્રણ મંત્રાલય મળે તેમ ઈચ્છે છે.
મંત્રીમંડળ વિસ્તરણ આઠ જુલાઈએ જશે. તેની પહેલા આજે પીએમ મોદીએ મહત્વની બેઠક બોલાવી છે. આ પહેલા મોદી અને શાહની બીજેપીના સંગઠન મંત્રી બીએલ સંતોષ સાથે બેઠક થઈ ચુકી છે. જેમાં મંત્રીમંડળ વિસ્તરણને અંતિમ રૂપ આપવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે.
નવા મંત્રી મંડળમાં 17 થી 22 મંત્રી શપથ લેશે. જે રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં સ્થાન અપાય તેમ માનવામાં આવે છે. ઉપરાંત પ્રાદેશિક પક્ષોના નેતાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે.