મોદી સરકારે અલગ અલગ વિભાગોનાં બાળકો માટે ઓનલાઇન સ્ટડીનો રોજનો સમયગાળો અને સેશનની સંખ્યા નક્કી કરી છે. આ આદેશ પ્રમાણે પ્રી-પ્રાઇમરીનાં બાળકોને અડધા કલાકથી વધુ ઓનલાઇન સ્ટડી નહી કરાવી શકાય. ધોરણ 1થી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે 45 મિનિટના 2 સેશન અને ધોરણ 9થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે 30થી 45 મિનિટના 4 સેશનની ભલામણ કરાઇ છે.
ઓનલાઇન સ્ટડી અંગે વાલીઓ દ્વારા ચિંતા વ્યક્ત કરાયા બાદ માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ દિશાનિર્દેશ બહાર પાડ્યા છે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું કે, આ દિશાનિર્દેશ ઘરે રહીને ભણતાં બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયા છે. કોરોના મહામારીની અસર ઘટાડવા સ્કૂલોએ શિક્ષણપદ્ધતિ નવેસરથી તૈયાર કરવા ઉપરાંત ઘર અને સ્કૂલ માટે ગુણવત્તાસભર મિશ્ર શિક્ષણ વ્યવસ્થા પણ આપવી પડશે.