નવી દિલ્લીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ 2021-22ના સામાન્ય બજેટમાં વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી રજૂ કરી છે. આ પોલિસી હેઠળ દેશમાંથી જૂની કારોને ભંગારમાં લઈ જવાશે. ખાનગી માલિકીની કારને 20 વર્ષ પછી જ્યારે કોમર્શિયલ વાહનને 15 વર્ષ પછી ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં ભંગાર તરીકે આપી દેવી પડશે. તેના કારણે પ્રદૂષણ ઘટશે અને પેટ્રોલ-ડીઝલનો ખર્ચ પણ ઘટશે તેથી ઓઈલ આયાત બિલમાં પણ ઘટાડો થશે.


આ પોલિસી હેઠળ ગ્રાહકે જૂની કાર સ્ક્રેપ સેન્ટરને વેચી દેવી પડશે. આ વેચાણના બદલામાં એક સર્ટિફિકેટ મળશે ને આ સર્ટિફિકેટના આધારે નવી કારનું કાર રજિસ્ટ્રેશન વિના મૂલ્યો કરવામાં આવશે. આ નિર્ણયથી લગભગ 2.80 કરોડ વાહન સ્ક્રેપ પોલિસી અંતર્ગત આવશે. તેના કારણે દેશમાં જૂની કાર્સનો ભંગાર મોટા પ્રમાણમાં પેદા થશે. તેના કારણે મોટી સંખ્યામાં નવા રોજગારની તક ઊભી થવાની આશા છે. આ ઉપરાંત ઓટોમોબાઈલ સેક્ટરને રિસાયકલમાં સસ્તામાં સ્ટીલ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક જેવા પાર્ટસ મળી શકશે તેથી કતાર પણ સસ્તી થશે એવી શક્યતા છે.

આ પોલિસી હેઠળ ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર બનાવવામાં આવશે. ખાનગી માલિકીની કારને 20 વર્ષ પછી આ સેન્ટરમાં આપી દેવાની રહેશે જ્યારે કોમર્શિયલ વાહનોને 15 વર્ષ પછી ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં મોકલવી પડશે.