નવી દિલ્હીઃ ચૂંટણી પંચે રાજ્યસભાની 55 સીટો માટે 17 રાજ્યોમાં 26 માર્ચે ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની સમય મર્યાદા બુધવારે સમાપ્ત થઈ હતી. પરંતુ આ પહેલા કેટલાક રાજ્યોમાં અનેક ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા હતા. હવે માત્ર 18 સીટો પર જ આગામી ગુરુવારે ચૂંટણી યોજાશે.


રાજ્યસભા માટે મહારાષ્ટ્રના સાત, તમિલનાડુમાં છ, બિહાર અને પશ્ચિમ બંગાળની પાંચ-પાંચ, ઓડિશાની ચાર, હરિયાણા તથા આસામની ત્રણ-ત્રણ, છત્તીસગઢો અને તેલંગાણામાં બે-બે તથા હિમાચલ પ્રદેશમાં એક સીટ પર ઉમેદવારોને બિનહરિફ ચૂંટાયા હતા.

રાજ્યસભા માટે મહારાષ્ટ્રની સાત સીટો પર બિનહરિફ ઉમેદવારો જાહેર કરાયા હતા. નામાંકન પરત લેવાની સમય મર્યાદા ખતમ થયા બાદ બુધવારે પૂરી થયા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીના પ્રમુખ શરદ પવાર, કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યમંત્રી રામદાસ આઠવલે, શિવસેનાના ઉપ નેતા પ્રિયંકા ચતુર્વેદી સહિત સાત ઉમેદવારોને રાજ્યસભા માટે બિનહરિફ જાહેર કરવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રમાં બિનહરિફ જાહેર થયેલા અન્ય ઉમેદવારોમાં એનસીપીના નેતા અને પૂર્વ મંત્રી ફૌઝિયા ખાન, કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ, ભાજપ ઉમેદવાર ઉદયનરાજે ભોંસલે અને ભાગવત કરાડ સામેલ છે.