નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ધીરે ધીરે રાંધણ ગેસની સબસિડી આગળ વધી રહી હોય એવું લાગે છે. મોદી સરકારે ગુજરાતના 1.16 કરોડ એલપીજી ગ્રાહકોને છેલ્લા 8 મહિનાથી રાંધણગેસના બાટલાની સબસિડી આપી નથી. બીજી તરફ રાંધણ ગેસના બાટલામાં ભાવવધારો કરાઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં રાંધણગેસના બાટલામાં રૂપિયા 100નો ભાવ વધારો થયો છે. તેના કારણે ગ્રાહકો પર બેવડો માર પડી રહ્યો છે.


મોદી સરકારે આ વર્ષના પહેલા ચાર મહિના એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં કેટલાક ગ્રાહકોને સબસિડી આપી હતી. છેલ્લા આઠ મહિનાથી એટલે કે મે મહિનાથી ડીસેમ્બર દરમિયાન ગુજરાતના કોઈ ગ્રાહકને સબસિડી મળી નથી તેના કારણે એવી ચર્ચા ચાલી રહી છે કે, મોદી સરકાર હવે સબસિડી નહીં આપે.



સબસિડી નહીં મળવા માટે પુરવઠા વિભાગ કે ડિલરો પાસે કોઇ કારણ નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવમાં વધારો થયો નથી તેના કારણે કેન્દ્ર સરકારની માલિકીની ત્રણ મોટી ઑઇલ માર્કેટીંગ કંપનીઓ હાલમાં ફાયદામાં છે. આમ છતાં કેન્દ્ર સરકારે સબસીડી બંધ કરી દીધી છે એ આશ્ચર્યજનક છે. ગેસના ભાવમાં વધારો થશે અને પડતર કિંમત વધશે તો સબસીડી ફરી ચાલુ થશે એવી વાતો કેટલાકં સૂત્રો કરે છે પણ તેને સત્તાવાર રીતે સમર્થન મળતું નથી.