મોદી સરકારનો મોટો નિર્ણય, UPSC પાસ કર્યા વગર પણ બની શકશો જોઈન્ટ સેક્રેટરી
abpasmita.in | 10 Jun 2018 11:04 PM (IST)
નવી દિલ્હી: ટોચના ઓફિસર બનવા માટે મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. યૂપીએસસીની પરીક્ષા પાસ કર્યા વગર હવે સરકારી અધિકારી બની શકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્યૂરોક્રેસીમાં પ્રવેશ આપવા માટે મોટો બદલાવ કર્યો છે. આ બદલાવથી ખાનગી અને પીએસયૂ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ પણ સરકારમાં જોઈન્ટ સેક્રેટરી લેવલ પર કામ કરી શકશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગની જાહેરાત પ્રમાણે પ્રાઈવેટ કંપનીમાં કામ કરનારા સિનિયર અધિકારીઓ પણ હવે સરકારનો ભાગ બની શકશે. સરકાર તરફથી લાંબા સમયથી પડતર એવા લેટરલ એન્ટ્રીની ઔપચારીક અધિસૂચના બહાર પાડવામાં આવી છે. સરકારનાં 10 વિભાગો માટે જોઇન્ટ સેક્રેટરી માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઇ છે. જેમાં સરકારમાં સીધાં જ જોઈન્ટ સેક્રેટરી બનવા માટેની લઘુતમ ઉંમર 40 વર્ષની રહેશે. આવેદન કરવાની તારીખ 30 જુલાઇ 2018 સુધી છે. આ પદ માટે ખાનગી કંપની, યુનિવર્સિટી કે કોઈ સંસ્થામાં 15 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. તેમનું વેતન કેન્દ્ર સરકારને અંતર્ગત જોઈન્ટ સેક્રેટરી હોદ્દા અનુસાર જ રહેશે. તમામ સુવિધાઓ પણ તે અનુરૂપ જ મળશે. તેમને સિવિલ સર્વિસનાં નિયમો અનુસાર જ કામ કરવાનું રહેશે. નિયુક્ત થનાર જોઇન્ટ સેક્રેટરીનો કાર્યકાળ માત્ર 3 વર્ષનો જ રહેશે અને જો પ્રદર્શન સારૂ રહેશે તો તેને વધારીને 5 વર્ષ કરી દેવામાં આવશે. રવિવારનાં રોજ આ પદોની નિમણૂંક માટે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) માટે વિસ્તારપૂર્વકની એક ગાઈડલાઇન્સ સાથે એક અધિસૂચના બહાર પડાઇ છે. સાથે સાથે સરકાર હવે સર્વિસનાં નિયમોમાં પણ ફેરફાર કરશે. PM મોદી બ્યૂરોક્રેસીમાં લેટરલ એન્ટ્રીનાં શરૂઆતથી જ હિમાયતી રહ્યાં છે. જો કે સરકારના આ નિર્યણને લઈને વિવાદ પણ શરૂ થઈ ગયો છે અને વિપક્ષે આક્ષેપ લગાવતા કહ્યું કે સરકારનો આ નિર્ણય ખાસ લોકોને ઉચ્ચ પદો પર બેસાડવાનો છે.