નવી દિલ્હીઃ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે 6 કલાકે દેશને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું, દિવસભર પંજાબમાં હતો. મારું મન તમારી સાથે સંવાદ કરવા ઈચ્છતું હતું.

PM મોદીએ તેમના સંબોધનમાં કહ્યું, સુપ્રીમ કોર્ટે એવા મામલે ફેંસલો આપ્યો છે જેનો ઘણા વર્ષોનો ઇતિહાસ છે. દાયકાઓ સુધી ચાલેલી ન્યાય પ્રક્રિયાનું સમાપન થયું છે. ભારતનું લોકતંત્ર કેટલું જીવંત અને મજબૂત છે તે આજે વિશ્વએ જાણ્યું.


ભારતના ન્યાય તંત્રના ઈતિહાસમાં આ દિવસ સુર્વણ અક્ષરે લખાશે. આજે કરતારપુર સાહિબ કોરિડોરની શરૂઆત થઈ છે. જેમાં ભારત અને પાકિસ્તાનનો સંયુક્ત સહયોગ છે. આજે અયોધ્યા પર ફેંસલાની સાથે 9 નવેમ્બરની તારીખ આગળ વધવાની શીખ આપી રહી છે.


ભારત વિવિધતમાં એકતા માટે ઓળખાય છે. આજે સવાસો કરોડ દેશવાસીઓએ નવો ઈતિહાસ રચ્ચો છે. ઈતિહાસની અંદર સ્વર્ણિમ પૃષ્ઠ જોડી રહ્યા છે. દરેક પરિસ્થિતિમાં ભારતના બંધારણ અને ભારની ન્યાય પદ્ધતિ પર વિશ્વાસ અડગ રહ્યો, જે મહત્વપૂર્ણ છે.

આ ફેંસલા બાદ નવી પેઢી નવેસરથી ન્યૂ ઈન્ડિયાના નિર્માણમાં લાગે તેવો આપણે સંકલ્પ કરવો પડશે. હવે નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. આપણે સૌને સાથે લઈ સૌનો વિકાસ કરીને સો વિશ્વાસ હાંસલ કરીને આગળ વધવાનું છે. રામ મંદિર નિર્માણને લઈ સુપ્રીમ કોર્ટે આપેલા ફેંસલા બાદ દેશના દરેક નાગરિક પર રાષ્ટ્ર નિર્માણની જવાબદારી વધી ગઈ છે. દેશના ન્યાયાધીશ, ન્યાયાલય અને આપણી ન્યાય પ્રણાલિ અભિનંદનને પાત્ર છે.