ઉત્તર પ્રદેશમાં હાલમાં કેશવ પ્રસાદ મૌર્ય અને ર્ડા. દિનેશ શર્મા એમ બે નાયબ મુખ્યમંત્રી છે. આ અહેવાલના દાવા પ્રમાણે એ.કે.શર્માને ત્રીજા નાયબ મુખ્યમંત્રી બનાવાશે કે પછી હાલના બે નાયબ મુખ્યમંત્રીમાંથી એકને હટાવાશે એ સ્પષ્ટ નથી પણ આ સવાલનો જવાબ ભાજપના નેતાઓ શોધી રહ્યા છે.
આ અહેવાલમા કરાયેલા દાવા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં બે નાયબ મુખ્યમંત્રી હોવા છતાં હજુ ભાજપને યોગ્ય પરિણામ મળતું નહીં હોવાનું કેન્દ્રિય મોવડી મંડળનું માનવું છે. આ કારણે ભાજપને મજબૂત બનાવવાના મિશન સાથે એ.કે.શર્માને ઉત્તર પ્રદેશના રાજકારણમાં ઉતારવામાં આવશે. આ અહેવાલ પ્રમાણે પ્રાથમિક તબક્કે તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શકયતા હોવાના અહેવાલ છે. એ.કે. શર્મા ઉત્તર પ્રદેશના મઉના કાજાખુર્દના વતની છે.
શર્મા નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા હતા. મોદી વડાપ્રધાન બનતાં તેમને દિલ્હી લઇ ગયા હતા. તેમની નોકરીના 2 વર્ષ બાકી હોવા છતાં તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી છે.