નવી દિલ્લીઃ બુધવારે નવી દિલ્લીમાં વડાપ્રધાન મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય કેબિનેટની મળશે. લોકકલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને મળનારી બેઠકમાં ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાનો નિર્ણય સત્તાવાર રીતે લેવાશે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને રદ કરવાની જાહેરાત કરી હતી. મોદી તેમના વચનને પાળવા માટે કેબિનેટની મંજૂરી લેશે.  


કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ મંગળવારે કહ્યું હતું, કે કૃષિ મંત્રાલય સંસદના આગામી શિયાળુ સત્રમાં ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવા માટે લવાનારા ખરડા પર ચર્ચા કરવાની તારીખો પર વિચાર કરી રહ્યું છે. મોદી સરકાર ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને પરત ખેંચવા માટે એક બિલ લાવશે.


મોદી  સરકારે પસાર કરેલા ખેડૂત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ 2020, ખેડૂતોને (સશક્તીકરણ-સંરક્ષણ) કિંમત ખાતરી અને કૃષિ સેવાઓ પર કરાર બિલ 2020 અને  આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) બિલ 2020 સામે ખેડૂત સંગઠનોએ વિરોધ કર્યો હતો. સંસદમાં  કૃષિ કાયદા પસાર થયાના 427 દિવસ પછી સરકારે આ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી. કૃષિ કાયદાના વિરોધમાં થયેલા દેખાવો દરમિયાન 700થી વધારે ખેડૂતોનાં મોત થયાં હતાં.  


કેન્દ્રીય કૃષિ મંત્રાલયે વડાપ્રધાન કાર્યાલય (PMO) સાથે ચર્ચા બાદ બિલને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. ન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર પહેલા લોકસભામાં કૃષિ કાયદાને પરત લેવાનું બિલ રજૂ કરશે.  પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, 29 નવેમ્બરથી શરૂ થનારા સંસદના આગામી શિયાળુ સત્રમાં કાયદા પાછા ખેંચવા માટેનું બિલ રજૂ કરવામાં આવશે.


આ બિલનો ઉદ્દેશ ગયા વર્ષે પસાર કરાયેલા ત્રણ બિલને પરત ખેંચવાનો છે. 19 નવેમ્બર, 2021ના રોજ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાતની સાથે સાથે દેશની માફી પણ માગી હતી. વડાપ્રધાને એ પણ જાહેરાત કરી હતી કે સરકાર લઘુતમ ટેકાના ભાવ (MSP)માટે નવું માળખું તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરશે. 2020માં કેન્દ્ર સરકારે કાયદો પસાર કર્યો ત્યારથી ખેડૂતો સરકારના ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.