Rahul Gandhi Plea in SC: સુપ્રીમ કોર્ટ 21 જૂલાઈએ માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરશે. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ સમક્ષ તેમની અરજી રજૂ કરી હતી. ચીફ જસ્ટિસે આ મામલાની સુનાવણી શુક્રવારે કરવાના નિર્દેશ આપ્યા હતા. રાહુલ ગાંધીની અરજીમાં ગુજરાત હાઈકોર્ટના એ નિર્ણયને પડકારવામાં આવ્યો છે જેમાં મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલની સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. જેના કારણે રાહુલે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું.






 


નોંધનીય છે કે આ મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાત હાઇકોર્ટે રાહુલ ગાંધીની પુનઃવિચાર અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 23 માર્ચે સુરતની ટ્રાયલ કોર્ટે રાહુલ ગાંધીને ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. આ સાથે તેમને બે વર્ષની સજા પણ ફટકારવામાં આવી હતી. આ પછી રાહુલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ટ્રાયલ કોર્ટના નિર્ણય પર રોક લગાવવાની માંગ કરી હતી. પરંતુ હાઇકોર્ટે પણ રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. અગાઉ ટ્રાયલ કોર્ટે રાહુલના જામીન મંજૂર કર્યા હતા.






 


ગુજરાત હાઈકોર્ટે રાહુલની સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. આ કારણે રાહુલ હાલમાં સાંસદ રહેવા કે ચૂંટણી લડવા માટે અયોગ્ય છે. મોદી સરનેમના માનહાનિ કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે. તે હાલમાં જામીન પર બહાર છે, પરંતુ તેમને બે વર્ષની સજા થઇ હોવાના કારણે સાંસદ બનવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ માનહાનિનો કેસ 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી દ્ધારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને દાખલ કરવામાં આવ્યો હતો.