આ ઘટના પર વિદેશ મંત્રી જયશંકરે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું રે નેપાળમાં 8 ભારતીય પ્રર્યટકોના નિધનના સમાચાર વ્યથિત કરનારા છે. નેપાળમાં આપણું દૂતાવાસ ઘટનાનું આકલન કરી રહ્યું છે. દૂતાવાસના અધિકારીઓ હોસ્પિટલમાં છે અને તમામ સંભવ મદદ કરી રહ્યાં છે. અમે શોકગ્રસ્ત પરિવાર સાથે છે.
મૃતકોના શવ પોસ્ટમોર્ટમ બાદ આવતીકાલે સ્વદેશ લાવવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, ઠંડીના કારણે રૂમમા ગેસ હિટર ચાલુ કર્યું હતું, તેના ઝેરી ગેસના કારણે શ્વાસ રૂંધાવાથી તેમનું મોત થયું છે.
નેપાળ પોલીસે જણાવ્યું કે, 15 સભ્યોનું એક ગ્રૂપ કેરળથી નેપાળ આવ્યું હતું. પરત ફરતી વખતે તેઓ મકવાનપુર જિલ્લાના દમનમાં આવેલા એવરેસ્ટ પનોરમા રિસોર્ટમાં રોકાયા હતા. આ લોકોએ બે રૂમ બુક કર્યા હતા. 8 લોકો એક જ રૂમમાં રોકાયા હતા. ઠંડી હોવાથી રૂમને ગરમ રાખવા ગેસ હિટર ઓન કર્યું હતું. આ ગ્રૂપના એક સભ્યએ દરેક લોકો બેભાન હોવાની માહિતી સવારે આપી હતી. ત્યારબાદ તેમને હેલિકૉપ્ટરનથી એરલિફ્ટ કરીને કાઠમાંડુની હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. અહીં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ ઘટના પર કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને ભારતીય વિદેશ મંત્રાલયને પત્ર લખીને મૃત્યુ પામેલા 8 લોકોના પરિવારને સહાય કરવા માટે વિનંતી કરી છે. કેરળના પ્રવાસન મંત્રી સુરેન્દ્રએ કહ્યું કે નેપાળના દમનની એક હોટલમાં કેરળના 8 લોકોના મોતની ઘટના ચોંકાવનારી છે. રાજ્ય પોલીસ પ્રમુખને નેપાળ પોલીસ સાથે સંપર્ક કરવા અને જરૂરી કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
મૃતકોમાં 38 વર્ષીય પ્રવીણ કૃષ્ણ નારાયણ, શારણ્ય શશિ(35), રંજીત કુમાર (34), ઈન્દ્ર લક્ષ્મી (9), શ્રીભદ્ર(7), આર્ચા પ્રવીણ (5), અભિન શોરનાથ નાયર (5) અને વૈષ્ણ રંજીત (2) સામેલ છે.