Priyanka Gandhi:  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ કેસમાં પહેલીવાર પ્રિયંકા ગાંધીનો ઉલ્લેખ કર્યો છે. આ મામલો NRI બિઝનેસમેન સીસી થમ્પી સાથે સંબંધિત છે, જેમાં પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ આરોપી છે.






કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનું નામ 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' (PMLA) સંબંધિત કેસની ચાર્જશીટમાં નોંધવામાં આવ્યું છે. ઇડીએ કહ્યું હતું કે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હી સ્થિત રિયલ એસ્ટેટ એજન્ટ મારફતે હરિયાણામાં જમીન ખરીદી હતી. આ એજન્ટે એનઆરઆઈ બિઝનેસમેન સીસી થમ્પીને જમીન પણ વેચી હતી.


EDનું કહેવું છે કે વાડ્રા અને થમ્પી વચ્ચે સારા સંબંધો છે અને બંન્ને એક સમાન બિઝનેસ કરે છે. આ એક મોટો કેસ છે, જે ભાગેડુ હથિયાર ડીલર સંજય ભંડારી સાથે સંબંધિત છે. ભંડારીની મની-લોન્ડરિંગ, ફોરેન એક્સચેન્જ અને બ્લેક મની કાયદા અને ઓફિશિયલ સિક્રેટ એક્ટના ઉલ્લંઘન માટે ઘણી એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓના ડરથી તે ભારત છોડીને 2016માં જ બ્રિટન ભાગી ગયો હતો.


પ્રિયંકાનું નામ પહેલીવાર ચાર્જશીટમાં સામે આવ્યું છે


હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, થમ્પી પર બ્રિટિશ નાગરિક સુમિત ચઢ્ઢા સાથે મળીને ભંડારીને અપરાધની આવક છુપાવવામાં મદદ કરવાનો આરોપ છે. જો કે, EDએ આ કેસ સાથે સંબંધિત અગાઉની ચાર્જશીટમાં રોબર્ટ વાડ્રાને થમ્પીના નજીકના સહયોગી તરીકે નામ આપ્યું છે. પરંતુ આ પહેલીવાર છે જ્યારે કોર્ટમાં રજૂ કરાયેલા સત્તાવાર દસ્તાવેજમાં પ્રિયંકા ગાંધીનું નામ સામેલ કરવામાં આવ્યું છે.


ચાર્જશીટમાં તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે એચએલ પહવાએ વાડ્રા અને થમ્પી બંનેને જમીનો વેચી દીધી હતી. તેમને હરિયાણામાં જમીન ખરીદવા માટે  બેનામી પૈસા આપવામાં આવ્યા હતા અને વાડ્રાએ જમીનના વેચાણ માટે સંપૂર્ણ રકમ ચૂકવી ન હતી.


પહવાએ 2006માં પ્રિયંકા ગાંધીને ખેતીની જમીન વેચી હતી અને પછી 2010માં તેની પાસેથી પાછી ખરીદી લીધી હતી. અહીં નોંધનીય બાબત એ છે કે રોબર્ટ અને પ્રિયંકા ગાંધીના નામ આરોપી તરીકે નથી. પરંતુ થમ્પી અને વાડ્રા વચ્ચેના સંબંધને બતાવવા માટે જમીનની ખરીદી અને વેચાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.