નવી દિલ્હીઃ કોરોનાના કહેર (Coronavirus) વચ્ચે સારા સમાચાર આવ્યા છે.  આ વર્ષે 1 જૂનથી શરૂ થનારું ચોમાસું (Monsoon) સામાન્ય રહે તેવી શક્યતા છે. હવામાનની માહિતી આપનાર સંસ્થા સ્કાઈમેટે આ આગાહી કરી છે.


ભારતમાં આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સરેરાશ વરસાદ 907 મિલીમીટર પડી શકે છે. સામાન્ય રીતે ચાર મહિના દરમિયાન સરેરાશ 880.6 મિલીમીટર વરસાદ પડે છે. પરંતુ આ વર્ષે 907 મિલીમીટર વરસાદ પડશે તેવી શક્યતા છે. 2021માં મોનસૂન દરમિયાન 103 ટકા વરસાદ પડવાની સંભાવના છે. જેમાં જૂનમાં 177 મિલીમીટર વરસાદ પડી શકે છે, જ્યારે જુલાઈમાં 277, ઓગસ્ટમાં 258 અને સપ્ટેમ્બરમાં 197 મિલીમીટર વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


જૂનમાં બિહાર અને પશ્ચિમ બંગાળમાં સારા વરસાદની સંભાવના છે. જુલાઈ મહિના દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં સારો વરસાદ પડશે, જ્યારે નોર્થ ઈસ્ટ અને કર્ણાટકમાં વરસાદ સામાન્યથી ઓછો રહેશે તેવી આશંકા છે. ખાસ વાત છે કે આ બંને મહિનાને મોનસૂનનો પ્રમુખ સમય માનવામાં આવે છે.


સ્કાઇમેટના આંકડા જણાવે છે કે જૂનમાં 166.9 મિમીના મુકાબલે 106 ટકા વરસાદ થઇ શકે છે. એજન્સીના મતે આ દરમિયાન 70 ટકા સંભાવના સામાન્ય વરસાદની છે. જ્યારે 20 ટકા સંભાવના છે કે વધારે વરસાદ થઇ શકે છે. સામાન્યથી ઓછા વરસાદની સંભાવના ફક્ત 10 ટકા જ છે.


ગુજરાતમાં ક્યાં આવ્યો વાતાવરણમાં પલટો


મોડી રાત્રે અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. મોડાસા, શામળાજી સહિતના વિસ્તારોમાં રાત્રે પવન ફૂંકાવાનો શરૂ થયો અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરરસ્યો છે. પવન સાથે વરસાદી છાંટા પડવાના કારણે ખેતીના પાકને નુકસાન જવાની ભીતિ છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઘઉંના પાકને નુકસાન જાય તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. આ પહેલા 12 એપ્રિલે ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં સાંજે 5 વાગ્યાના અરસામાં વાતાવરણમાં આવેલા બદલાવ બાદ પવનના સુસવાટા સાથે ઝરમર વરસાદ વરસી પડ્તા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી. મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં આવેલા બદલાવ બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા જતા ગાજવીજ સાથે ઝરમર વરસાદ વરસી પડ્યો હતો. વરસાદને કારણે ઉનાળુ પાક ડુંગળી, ફણસી, ઘઉં ,જેવા પાકો તેમજ સુસવાટા મારતા પવન ફૂંકાતા કેરી ખરી પડતા નુકસાન થવાની સંભાવના વધી રહી હતી.