Monsoon Concern: જગતનો તાત મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે પરંતુ આ વખતે વર્ષે સોમાસુ તેના નિર્ધારીત સમય કરતા થોડુ મોડું છે. જેના કારણે ખરીફ પાકોની વાવનીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. ચોમાસામાં વિલંબથી ડાંગર, કઠોળ અને તેલીબિયાંની વાવણી પર અસર પડી રહી છે. કેરળમાં ચોમાસાએ મોડેથી દસ્તક જરૂર આપી છે અને ચોમાસામાં વિલંબને કારણે સમગ્ર દેશમાં સામાન્ય કરતાં 53 ટકા ઓછો વરસાદ થયો છે. ચોમાસામાં વિલંબ અલ નીનોની ચિંતાઓને વેગ આપે છે, જેની આશંકા પહેલાથી જ હતી. તો ચોમાસામાં વિલંબથી મોંઘવારીના મોરચે ચિંતા વધી રહી છે.


ખરીફ પાકની વાવણીમાં વિલંબ


મોટાભાગના કૃષિ ક્ષેત્રમાં ડાંગર, કઠોળ અને તેલીબિયાંની વાવણી 12 દિવસથી વધુ સમય માટે વિલંબિત છે. જેના કારણે ઉપજમાં ઘટાડો થવાની આશંકા પહેલેથી જ વ્યક્ત કરવામાં આવી રહી છે. સોયાબીનની ઉપજને સૌથી વધુ અસર થઈ શકે છે કારણ કે, તેની ખેતી માટે સૌથી વધુ પાણીની જરૂર પડે છે. જ્યારે કઠોળની વાવણી ચોમાસાની શરૂઆત બાદ ખેતરમાં 2 ઇંચથી વધુ પાણી હોય ત્યારે કરવામાં આવે છે.


ચોમાસામાં વિલંબથી ચિંતાના વાદળો 


મધ્ય ભારતમાં જે કૃષિનું મુખ્ય કેન્દ્ર છે, ત્યાં 55 ટકા વરસાદની અછત છે. દક્ષિણના પ્રદેશોમાં 61 ટકા અને પૂર્વ અને ઉત્તરપૂર્વીય પ્રદેશોમાં 23 ટકાની ઉણપ છે. ભારતીય હવામાન વિભાગે આ વર્ષે સામાન્ય ચોમાસાની આગાહી કરી છે, જ્યારે હવામાન આગાહી કરનાર સ્કાયમેટે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી મુખ્ય કૃષિ વિસ્તારોમાં વરસાદની ખાધની આગાહી કરી છે. સ્કાયમેટે તેની આગાહીમાં કહ્યું છે કે, ઉત્તર અને મધ્ય ભારતમાં આ વર્ષે ઓછો વરસાદ પડી શકે છે. અન્ય ઘણા સંશોધન અહેવાલો પણ એ તરફ ઈશારો કરે છે કે, આ વર્ષે અલ નીનોની અસરને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે અનાજનું ઉત્પાદન ઘટી શકે છે.


ચોમાસામાં વિલંબને કારણે મોંઘવારીનું તોળાતું જોખમ


ગયા અઠવાડિયે જ વિદેશી બ્રોકરેજ હાઉસ ડોઇશ બેંકે તેના અનુમાનમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી વરસાદ સામાન્ય કરતાં 53 ટકા ઓછો છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં વિલંબને કારણે ખરીફ પાકની વાવણીમાં વિલંબ થઈ રહ્યો છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે, જો અલ નીનોની આશંકા સાચી ઠરશે તો ચોમાસામાં વિલંબ થવાને કારણે મોંઘવારી વધવાનો ભય છે. નબળા ચોમાસાની અસર ખરીફ પાકની વાવણી પર જોવા મળી શકે છે. ચોમાસાની અછતની સૌથી મોટી અસર સૌથી મહત્વપૂર્ણ ખરીફ પાક ડાંગરની ખેતી પર પડી શકે છે. અલ નીનોના કારણે દેશમાં દુષ્કાળ પડી શકે છે જેના કારણે ખાદ્ય ચીજોની સપ્લાય પર દબાણ આવી શકે છે અને તેની અસર ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પર પડી શકે છે. ખાદ્ય ચીજો મોંઘી થઈ શકે છે.