લખનઉઃ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમા કોરોના વાયરસના દર્દીની તપાસ કરવા પહોંચેલી મેડિકલ ટીમ પર હુમલો કરવામા આવ્યો છે. આ ઘટના મુરાદાબાદ જિલ્લાના નાગફની પોલીસ સ્ટેશનના હાજી નેબ મસ્જિદ વિસ્તારની છે. કહેવામાં આવી રહ્યું છે કે કોરોના પોઝિટીવ વ્યક્તિ સરતાજની બે દિવસ અગાઉ થયેલા મોત બાદ આ વિસ્તારમાં મેડિકલ ટીમ સ્વાસ્થ્ય તપાસ માટે પહોંચી હતી. આ દરમિયાન ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.


એક રિપોર્ટ અનુસાર, વિસ્તારમાં લોકોએ 108 મેડિકલ એમ્બ્યુલન્સ પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં એમ્બ્યુલન્સના કર્મચારીઓની સાથે ડોક્ટર અને મેડિકલ સ્ટાફને ઇજા પહોંચી હતી. એમ્બ્યુલન્સના ડ્રાઇવરે કહ્યુ કે, કેટલાક લોકોએ મેડિકલ ટીમ અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જે સંભવિત પોઝિટીવ દર્દીને  લેવા માટે પહોંચ્યા હતા. જ્યારે અમારી ટીમ દર્દી સાથે એમ્બ્યુલન્સમાં સવાર થઇ કે અચાનક ભીડે પથ્થરમારો શરૂ કરી દીધો.

આ ઘટના પર નારાજગી વ્યક્ત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, હુમલાખોરોને છોડવામાં નહી આવે. તેમના પર રાસુકા લાગશે અને તેમની પાસેથી સંપત્તિના નુકસાનની વસૂલાત કરવામા આવશે.