મહારાષ્ટ્ર-કર્ણાટકમાં પૂરનો કહેર, રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા સૈન્યના 1000 જવાનો
abpasmita.in | 07 Aug 2019 08:57 PM (IST)
પૂર પ્રભાવિત વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે.આ રેસ્ક્યુ ઓપરેશનમાં સૈન્ય, નૌસેના અને એરફોર્સની મદદ લેવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. જેને કારણે લોકોનું જનજીવન પુરી રીતે પ્રભાવિત થયુ છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, સતત થઇ રહેલા વરસાદ અને નદીઓમાં પાણી છોડવાના કારણે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પૂર જેવી સ્થિતિ છે. બંન્ને રાજ્યોમાં વહીવટીતંત્ર દ્ધારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે જેમાં સૈન્ય પણ મદદમાં જોડાઇ છે. બંન્ને રાજ્યોમાંથી લોકોને પૂરથી પ્રભાવિત વિસ્તારમાંથી સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. કર્ણાટકના બેલગામ, બાગલકોટ અને રાયપુર જિલ્લા અને મહારાષ્ટ્રના રાયગઢ, કોલ્હાપુર અને સાંગલી જિલ્લામાં રેસ્ક્યુ ઓપરેશનમાં લગભગ એક હજાર સૈન્યકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. બુધવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પૂર અને વરસાદને લઇને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રના 204 ગામ અને 11 હજાર પરિવાર પૂરથી પ્રભાવિત થયા છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે.આ રેસ્ક્યુ ઓપરેશનમાં સૈન્ય, નૌસેના અને એરફોર્સની મદદ લેવામાં આવી રહી છે. ફડણવીસે કહ્યું કે, રાજ્યના પુરગ્રસ્ત વિસ્તારમાં 22 એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. કેટલીક ટીમો હજુ સુધી સ્થળ પર પહોંચી નથી. રાજ્ય સરકારે ડોર્નિયર એરક્રાફ્ટની માંગ કરી છે. જેનાથી સરળતાથી ટીમને એરલિફ્ટ કરી શકાય. MI-17 ચોપરથી કેટલીક ટીમોને એરલિફ્ટ કરાઇ છે. પૂર અને વરસાદના કારણે મિરાજ અને કોલહાપુરની રેલવે સર્વિસ રોકવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે ગુજરાત અને ઓડિશાથી રાહત અને બચાવકાર્ય માટે ખાસ ટીમની માંગ કરી છે.