Corona Cases In India: ભારતમાં કોરોના રોગચાળાએ ફરી એકવાર જોર પકડ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,313 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે 38 લોકોના મોત થયા છે. દેશમાં સક્રિય કેસ વધીને 83 હજારથી વધુ (83,990 કેસ) થઈ ગયા છે. અગાઉ એટલે કે 22 જૂને દેશભરમાં કોરોના સંક્રમણના 12249 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 13 લોકોના મોત થયા છે.






આ પાંચ રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક


જે પાંચ રાજ્યોમાં કોવિડની સ્થિતિ ચિંતાજનક છે તેમાં કેરળ (4,224), મહારાષ્ટ્ર (3,260), દિલ્હી (928), તમિલનાડુ (771) અને ઉત્તર પ્રદેશ (678)નો સમાવેશ થાય છે. કુલ નવા કેસોમાંથી 74.07 ટકા આ પાંચ રાજ્યોમાંથી આવ્યા છે. તે જ સમયે, કુલ નવા કેસોમાં ફક્ત કેરળનો હિસ્સો 31.73 ટકા છે.


કોવિડને કારણે છેલ્લા 24 કલાકમાં 38 દર્દીઓના મોત થયા છે. દેશમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં પાંચ લાખ (5,24,941) થી વધુ લોકોના મોત થયા છે.


દેશમાં કોવિડમાંથી રિકવરી રેટ 98.6 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 10,972 દર્દીઓએ કોવિડને માત આપી છે. હાલમાં દેશમાં કોવિડના 83,990 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં 2,303 સક્રિય કેસ વધ્યા છે.


કોવિડ રસી વિશે વાત કરીએ તો ગઈકાલે 14 લાખ (14,91,941) થી વધુ કોવિડ રસી આપવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધીમાં 196 કરોડથી વધુ (1,96,62,11,973) કોવિડ રસી લગાવવામાં આવી છે. ગઈકાલે દેશમાં કોવિડના 3 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.


ગુજરાતમાં કોરોના કેસ


ગુજરાતમાં ગઈકાલે કોરોના બ્લાસ્ટ થયો છે અને નવા કેસનો આંકડો 400ને પાર પહોંચી ગયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 407 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં 207 કેસ નોંધાયા છે. બીજી તરફ 190 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે ગઈકાલે કોરોનાથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ સતત ઘટી રહ્યો છે. ગઈકાલે નોંધાયેલા કોરોના કેસ બાદ રિકવરી રેટ 98.97 ટકાએ પહોંચી ચુક્યો છે. આ સાથે જ હાલ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં ગઈકાલે કુલ કોરોનાની રસીના 55,638 ડોઝ અપાયા હતા.


કયા જિલ્લામાં કેટલા કેસ?


જિલ્લા પ્રમાણે નોંધાયેલા કોરોના વાયરસના કેસો જોઈએ તો ગઈકાલે સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 207 કેસ, વડોદરા શહેરમાં 39 કેસ, સુરત શહેરમાં 45 કેસ, રાજકોટ શહેરમાં 17 કેસ, ગાંધીનગર શહેરમાં 10 કેસ, ભાવનગર શહેરમાં 11 કેસ, જામનગર શહેરમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના કેસ જોઈએ તો સુરતમાં 12, વલસાડમાં 8 કેસ નોંધાયા છે.  આણંદ અને ગાંધીનગર 6-6 કેસ, સાબરકાંઠામાં 5, બનાસકાંઠામાં 4, કચ્છમાં 4, મહેસાણામાં 4, અમદાવાદ અને રાજકોટમાં 3-3 કેસ, જામનગર નવસારીમાં 2-2 કેસ, અમરેલી, પાટણ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે.


ગઈકાલે કોઈ મોત નથીઃ


ગઈકાલે રાજ્યમાં કોઈ દર્દીનું મોત નથી થયું. આ સાથે ગઈકાલે રાજ્યમાં કુલ 190 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 1741 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 4 દર્દી વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં કોરોનાને હરાવીને કુલ 12,15,806 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થયાં છે.