અયોધ્યાઃ વિશ્વ હિંદુ પરિષદના ઇન્ટરનેશનલ સંરક્ષક દિનેશ ચંદ્રે કહ્યું કે, અયોધ્યાના સાંસ્કૃતિક ક્ષેત્રની સરહદ બહાર જ મુસલમાનોને મસ્જિદની જમીન આપવી જોઇએ અને બાબરના નામ પર દેશમાં કોઇ પણ મસ્જિદ ના બને. વિહિપ સંરક્ષક બુધવારે અયોધ્યામાં મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમાજને જે પાંચ એકર જમીન આપી છે તેના પર અમારે કોઇ પણ પ્રકારનો વિરોધ નથી. પરંતુ અમારી માંગ છે કે અયોધ્યાના સાંસ્કૃતિક ક્ષેત્રની સરહદ બહાર મસ્જિદ માટે જમીન આપવી જોઇએ.
તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો નિર્ણયથી રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ થયા બાદ હવે વિહિપનો હેતું પાર પડી ગયો છે. હવે અમારી એક જ જીદ છે કે રામ મંદિર માટે અમે જે પથ્થર બનાવ્યા છે અને જે મોડલ બનાવ્યું છે તેનો ઉપયોગ કરવામાં આવે. મંદિર નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્ધારા ટ્રસ્ટ બનાવવા પર તેમણે કહ્યું કે, ટ્રસ્ટનો હિસ્સો બનવાની અમારી કોઇ ઇચ્છા નથી. અમે મંદિર નિર્માણ માટે બહારથી સમર્થન કરીશુ. જ્યાં સુધી રામલલ્લાનું મંદિર બનાવવામાં નથી આવતું ત્યાં સુધી કોઇ અસ્થાયી નિર્માણ કરવામાં આવે જેથી રામભક્ત તેમનું પૂજન કરી શકે.
તેમણે કહ્યું કે, લાખો કારસેવક રામજન્મભૂમિ માટે સંઘર્ષ કરતા શહિદ થઇ ગયા હતા. તેમની પણ મંદિર માટે મહત્વપૂર્ણ ભૂમિકા હતી. વિહિપ પાસે રામ મંદિર માટે એકઠા થયેલા એક એક રૂપિયાનો હિસાબ છે.