નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે, તાજા આંકડા પ્રમાણે ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 2 લાખ 36 હજારને પાર કરી ગઇ છે. જેમાં 1 લાખ 15 હજાર 942 એક્ટિવ કેસો છે, અને 6642 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.


ખાસ વાત છે કે આટલા બધા કેસોમાં ભારતના 10 રાજ્યો એવા છે, જે સૌથી વધુ કોરોના સંક્રમણની ચુગાલમાં ફસાયા છે. આ 10 રાજ્યોમાંથી કુલ 84 ટકા દર્દીઓ નોંધાયા છે. આમાં ભયાનક સ્થિતિ મહારાષ્ટ્ર રાજ્યની છે. અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા 80 હજારને પાર પહોંચી ગઇ છે, અને 2849 લોકો મોતને ભેટી ચૂક્યા છે.

મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટકા અને બિહારમાંથી દેશના કુલ 84 ટકા કેસો નોંધાયા છે. આ લિસ્ટમાં મહારાષ્ટ્ર બાદ તામિલનાડુ અને દિલ્હીનુ નામ સામેલ છે. તામિલનાડુમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28 હજારને પાર અને દિલ્હીમાં 26 હજારને પાર પહોંચી ગઇ છે.

જોકે, ભારતમાં ટેસ્ટિંગની વાત કરીએ તો મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, રાજસ્થાન અને કર્ણાટકામાં સૌથી વધુ ટેસ્ટિંગ થયુ છે. વળી કોરોનાથી સૌથી વધુ મોત મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં થયા છે.