આજે પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં કહ્યું, સમગ્ર વિશ્વમાં લોકડાઉન અસરકારક રહ્યું છે અને ભારત બીજા દેશોની તુલનામાં સારી સ્થિતિમાં છે. તમામ રાજ્યોના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે ચર્ચામાં તેમના સૂચનો કર્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારો આર્થિક ગતિવિધિને વધારવા અને લોકોને રાહત આપવા વિવિધ ક્ષેત્રોમાં ક્રમશઃ છૂટ આપી રહી છે.
કોરોના વાયરસના મામલા નિયંત્રણમાં રહે તે માટે દેશના કેટલાક રાજ્યો લોકડાઉનને 3 મે બાદ પણ ચાલુ રાખવા ઈચ્છુક છે. બેઠકમાં મેઘાલયના મુખ્યમંત્રી કોનાર્ડ સંગમાએ રાજ્યમાં ત્રણ મે બાદ પણ લોકડાઉન ચાલુ રાખવાની વાત કરી હતી.
પડ્ડુચેરીના મુખ્યમંત્રીએ કહ્યું, ભાજપ શાસિત મોટાભાગના રાજ્યોના મુખ્યમંત્રીએ લોકડાઉન ચાલુ રાખવું જોઈએ અને આર્થિક ગતિવિધિ ધીમે ધીમે શરૂ કરવી જોઈએ તેમ જણાવ્યું હતું.
કોરોના વાયરસ ફેલાતો રોકવા માટે પીએમ મોદીએ દેશમાં 25 માર્ચથી બે તબક્કામાં લોકડાઉન લાગુ કર્યુ છે. પ્રથમ તબક્કામાં 24 માર્ચથી 21 દિવસ માટે અને બીજા તબક્કામાં 14 એપ્રિલથી 3 મે સુધી 19 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે.
દેશમાં હાલ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 27,892 પર પહોંચી છે. જેમાંથી 872 લોકોના મોત થયા છે અને 6184 લોકો સાજા થઈ ગયા છે.