નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશની બે મેડિકલ કોલેજોમાં હલકી ગુણવત્તાની PPE કિટ આપવાને લઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પ્રહાર કર્યો છે. આ અંગે લખેલો ફરિયાદ પત્ર લીક થવાના મામલે પ્રિયંકા ગાંધીએ યોગી સરકારને સવાલ કર્યો છે કે શું મેડિકલકર્મીને ખરાબ ગુણવત્તાની પીપીઈ કિટ પૂરી પાડનારા દોષીતો સામે કાર્યવાહી થશે.

પ્રિયંકા ગાંધીએ શું કર્યુ ટ્વિટ

પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું, "ઉત્તરપ્રદેશની અનેક મેડિકલ કોલેજોમાં ખરાબ પીપીઈ કિટ આપવામાં આવી હતી. એ તો સારું થયું કે યોગ્ય સમયે તે પકડાઈ ગઈ અને આપણા યોદ્ધા ચિકિત્સકોની સુરક્ષા સાથે કોઈ ચેડાં ન થયા."


દોષિતો સામે કાર્યવાહી થશે?

તેમણે દાવો કર્યો કે, આશ્ચર્યની વાત છે કે ઉત્તર પ્રદેશ સરકારને આ કૌભાંડ પરેશાન નથી કરી રહ્યું પરંતુ ખરાબ કિટ જાણ બહાર કેવી રીતે આવી ગઈ તે પરેશાન કરે છે. જો ખરાબ કિટનો મામલો પકડાયો ન હોત તો દબાઈ જાત. શું દોષીતો પર કાર્યવાહી થશે.

શું છે મામલો

થોડા દિવસો પહેલા ખરાબ ગુણવત્તાની પીપીઈ કિટને લઈ મેરઠ અને નોયડાની મેડિકલ કોલેજોના સત્તાધીશોએ હેલ્થ વિભાગને એક પત્ર લખ્યો હતો. જેમાં પીપીઈ કિટ ખરાબ ગુણવત્તાની અને સાઈઝમાં ટૂંકી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1868 છે. જેમાંથી 289 લોકો સાજા થઈ ગયા છે અને 29 લોકોના મોત થયા છે.