Supreme Court on Surname: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે પુનઃલગ્ન કરનાર મહિલાઓના અધિકારો માટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાળકની એકમાત્ર નેચરલ ગાર્ડિયન હોવાથી માતાને તેના બાળકની અટક નક્કી કરવાનો અધિકાર છે.' સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેન્ચે આ નિર્ણય આપ્યો હતો.


સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે પોતાના પહેલા પતિના મૃત્યુ બાદ બીજી લગ્ન કરવા પર પ્રથમ પતિથી જન્મેલા બાળકને તેના નવા પરિવારમાં સામેલ થવાથી રોકી શકાય નહીં. બાળકની એકમાત્ર કુદરતી વાલી હોવાને કારણે માતાને તેના કુટુંબ અને અટક નક્કી કરવાનો અધિકાર છે.


બાળકની અટક અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય


સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે 'દસ્તાવેજોમાં 'સાવકા પિતા' તરીકે બીજા પતિનું નામ સામેલ કરવું લગભગ ક્રૂર અને અવિવેકી છે, જે બાળકના માનસિક સ્વાસ્થ્ય અને આત્મસન્માનને અસર કરશે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય બાળકની બાયોલોજીકલ માતા અને બાળકના બાયોલોજીકલ દાદા-દાદી વચ્ચે બાળકની અટકને લઈને ચાલી રહેલા વિવાદ પર આવ્યો છે.


હકીકતમાં પતિના મૃત્યુ બાદ એક મહિલાએ બીજા લગ્ન કર્યા હતા. જે બાદ બાળકની અટકને લઈને વિવાદ થયો હતો. આના પર માતાએ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.


સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને ક્રૂર ગણાવ્યો


આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના નિર્દેશ મુજબ, એવું કહેવામાં આવ્યું હતું કે જ્યાં પણ રેકોર્ડની મંજૂરીની  જરૂર હશે ત્યાં બાયોલોજિકલ પિતાનું નામ બતાવવામાં આવે. સાથે જ માતાના નવા પતિનું નામ ‘સાવકા પિતા’ તરીકે દર્શાવવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું.


હાલમાં સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના આદેશને ક્રૂર ગણાવ્યો છે અને કહ્યું છે કે તે બાળકના માનસિક સ્વાસ્થ્યમાં અને નવા પરિવારમાં આરામદાયક બનવામાં ઘણી મુશ્કેલી ઊભી કરી શકે છે. સુપ્રીમ કોર્ટ અનુસાર, બાળકની એકમાત્ર નેચરલ ગાર્ડિયન હોવાને કારણે માતાને બાળકની અટક નક્કી કરવાનો અને તેને દત્તક લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.