ભોપાલઃ મધ્ય પ્રદેશમાં લવ જેહાદ વિરૂદ્ધ બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં આજે એક વિશેષ બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકમાં કેબિનેટને ધાર્મિક સ્વતંત્રતા વિધેયક-2020 પાસ કર્યું છે.


હવે આ બિલને વિધાનસમાં રજૂ કરવામાં આવશે. 28 ડિસેમ્બરે એમપીમાં વિધાનસભા સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. લવ જેહાદમાં વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ છે, જ્યારે એક લાખ સુધીના દંડની પણ જોગવાઈ રાખવામાં આવી છે. નવા કાયદા અંતર્ગત નોંધાયલે કેસ બિનજામીન પાત્ર હશે. આ કાયદાના અસ્તિત્વમાં આવતા જ ‘મધ્યપ્રદેશ ધર્મ સ્વાતંત્રતા અધિનિયમ 1968’ રદ્દ થઈ જશે.

વિતેલા મહિને શિવરાજ સિંહ ચૌહાણે અધિકારીઓની બેઠકમાં લવ જેહાદ કાયદો લાવવાની વાત કહી હતી. મુખ્યમંત્રી ચૌહાણે કહ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં લવ જેહાદ અને લગ્ન માટે ધર્મ પરિવર્તન કોઈપણ રીતે ચલાવી નહીં લેવાય. આ પૂર્ણ રીતે ખોટું અને ગેરકાયેદસર છે.

બિલના ડ્રાફ્ટ મુજબ, બિન જમીનપાત્ર ગુનામાં કેસ દાખલ કરવામાં આવશે અને ઓછામાં ઓછી 10 વર્ષ સુધીની સજાની જોગવાઓ કરવામાં આવી છે. લવ જેહાદ જેવી બાબતોમાં મદદ કરનારાઓને પણ મુખ્ય આરોપી બનાવવામાં આવશે. તેમને ગુનેગારો માનતા મુખ્ય આરોપીની જેમ જ સજા કરવામાં આવશે. જ્યારે, લગ્ન માટે ધર્મ પરીવર્તન કરનારાઓને સજા કરવા માટેની જોગવાઈ આ કાયદામાં રહેશે.

નવા કાયદામાં કુલ 19 જોગવાઈઓ છે, જે હેઠળધર્મ પરીવર્તનના મામલામાં પીડિતાના પરિવારજનો ફરિયાદ કરશે તો પોલીસ કાર્યવાહી કરશે. જો કોઈ વ્યક્તિ સગીર, એસસી / એસટી જાતિની દીકરીઓને લાલચ આપીને જો લગ્ન કરવા બદલ દોષી સાબિત થાય છે, તો તેને બે વર્ષથી 10 વર્ષ સુધીની સજા કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ સંપત્તિના લોભમાં ધર્મ છુપાવીને લગ્ન કરે છે, તો તેના લગ્ન રદબાતલ ગણાશે.

સ્વૈચ્છિક ધર્મ પરીવર્તન માટે એક મહિના અગાઉથી અરજી કરવી પડશે. ઘણા કિસ્સાઓમાં, એવું જોવા મળ્યું છે કે યુવતીઓ સ્વૈચ્છિક રીતે ધર્મ પરીવર્તન કરીને લગ્ન કરવા માંગે છે. આવા કેસોમાં કાયદામાં એવી જોગવાઈ પણ હશે કે જો કોઈ સ્વેચ્છાએ લગ્ન માટે ધર્મ પરીવર્તન કરવા માંગે છે, તો કલેક્ટર સમક્ષ એક મહિના પહેલા અહીં અરજી કરવી પડશે. અરજી કરવી ફરજિયાત રહેશે. જો અરજી કર્યા વિના ધર્મ પરીવર્તન કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.