નવી દિલ્હી: કોરોના વેક્સીના રસીકરણને લઈને કેન્દ્ર સરકારે તૈયારીઓ તેજ કરી દીધી છે. તેની વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે, કોરોના વાયરસની રસી તમામ રાજ્યોને મફત ઉપલબ્ધ કરાવવામાં આવે. ગેહલોતે કહ્યું કે, કોરોના વેક્સીનને મફત આપવાની જાહેરાત બિહાર ચૂંટણી સમયે કરવામાં આવી હતી. હવે તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે.


ઉલ્લેખનીય છે કે, કોરોના વેક્સીન આવતા પહેલા કેન્દ્ર સરકાર પોતાની પૂરી તૈયારી કરી રહી છે. તેથી 28 અને 29 ડિસેમ્બરે ચાર રાજ્યોમાં રસીકરણનું ડ્રાઈ રન કરાશે. આ રાજ્યમાં પંજાબ, આસામ, આંધ્ર પ્રદેશ અને ગુજરાત સામેલ છે. આ રાજ્યોના બે જિલ્લામાં ડ્રાઈ રન કરવામાં આવશે.

પોતાની સરકારના બે વર્ષ પૂરા થવા પર પત્રકાર પરિષદને સંબોધન કરતા ગહલોતે આક્ષેપ લગાવતા કહ્યું કે, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર સિંહ શેખાવત અને ભાજપ નેતા જફર ઈસ્લામ સહિત અનેક નેતાઓએ તેમની સરકાર તોડી પાડવા માટે પૂરો જોર લગાવ્યો પરંતુ તેઓ સફળ થયા નહીં.

ખેડૂતો મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કરતા ગહલોતે કહ્યું કે, પ્રધાનમંત્રી દેશભરના ખેડૂતો સાથે વાત કરવાની જગ્યાએ માત્ર ભાજપ શાસિત મધ્ય પ્રદેશના ખેડૂતો સાથે સંવાદ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, જ્યારે પીએમ મોદી ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયા દેવુ માફ કરી શકતા હોય તો ખેડૂતોનું દેવું કેમ માફ નથી કરતા.