મધ્યપ્રદેશમાં 9 માર્ચે શરૂ થયેલ રાજકીય ઉથલપાથલનો ક્લાઈમેક્સ આજે જોવા મળે તેવી સંભાવના છે. કમલનાથ સરકારને વિધાનસભામાં વિશ્વાસમત પ્રાપ્ત કરવાનો છે. તેને લઈને હજુ સુધી સસ્પેન્સ યથાવત્ છે. સસ્પેન્સ એ વાતને લઈ છે કે, શું આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા થશે કે નહીં. જોકે રાજ્યપાલ લાલજી ટંડને ફ્લોર ટેસ્ટનો આદેશ રજૂ કરી દીધો છે. તો સ્પીકર એનપી પ્રજાપતિએ તેને લઈ હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા નથી.


આ બધાંની વચ્ચે સીએમ કલમનાથે રવિવાર રાત્રે રાજ્યપાલ લાલજી ટંડન સાથે મુલાકાત કરી હતી. રાજ્યપાલ સાથે મુલાકાત કર્યાં બાદ કમલનાથ ફ્લોર ટેસ્ટ માટે તો તૈયાર જોવા મળ્યાં હતાં પરંતુ તેમણે એક શરત મૂકતા કહ્યું હતું કે, પહેલાં તેમની પાર્ટીના ‘બંધક’ બનાયેલા ધારાસભ્યોને છોડવામાં આવે.

રાજભવનથી રાત્રે 12.20 મીનિટ વાગ્યે બહાર નીકળતાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેમને રાજ્યપાલને ફોન આવ્યો હતો વિધાનસભા શાંતિપૂર્વક ચાલે તેને લઈ અમારી ચર્ચા થઇ છે.

કમલનાથે કહ્યું હતું કે, હું પણ એ ઈચ્છું છું કે વિધાનસભા શાંતિપૂર્વક ચાલે અને તેના માટે સ્પીકર સાથે ચર્ચા કરીશું જ્યાં સુધી ફ્લોર ટેસ્ટનો પ્રશ્ન છે તો તેના પર સ્પીકરે નિર્ણય લેવાનો છે. હવે સ્પીકર શું નિર્ણય લે છે તેને લઈ હું શું કહી શકું.

કોંગ્રેસના 22 ધારાસભ્યોની દગાખોરી ઝીલી રહેલા મુખ્યમંત્રી કમલનાથે પોતાની સરકારને સંપૂર્ણપણે સુરક્ષિત બતાવી હતી. કમલનાથે કહ્યું હતું કે, તેમણે રાજ્યપાલને કહ્યું છે ધારાસભ્ય સ્વતંત્ર થઈને આવે તો ફ્લોર ટેસ્ટમાં કોઈ મુશ્કેલી નથી.