તમે ફક્ત ગુજરાતના નહીં પરંતુ દેશના વડાપ્રધાન છો, કમલનાથનો મોદી પર પ્રહાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Apr 2019 05:14 PM (IST)
ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મણિપુરમાં ભારે વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે લગભગ 35 જેટલા લોકોના મોત થયા છે. ગુજરાતમાં અંદાજે 9 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે મધ્યપ્રદેશમાં પણ ઝંઝાવાતી વરસાદને પગલે 14 વ્યક્તિનાં મોત થયા હોવાના અહેવાલ છે.

નવી દિલ્હી: ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મણિપુરમાં મંગળવારે થયેલા ભારે વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે લગભગ 35 જેટલા લોકોના મોત થયા હતા. જેને લઈને વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં થયેલા લોકોના મોતને લઈને દુખ વ્યક્ત કર્યું હતું. ત્યારે અન્ય રાજ્યમાં પણ થયેલી જાનહાનિને લઈને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલાથે પીએમ મોદી પર નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ પીએમ મોદી પર આક્ષેપ લગાવતા કહ્યું કે પીએમ મોદી અન્ય રાજ્યને નજરઅંદાજ કરી રહ્યાં છે, શું તેઓ માત્ર ગુજરાતના જ વડાપ્રધાન છે ? પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર સવારે ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદના કારણે થયેલા મોત પર દુખ વ્યક્ત કર્યું, તેઓએ ટ્વિટ કર્યું કે, “ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. પ્રભાવિત લોકોને તમામ સંભવિત મદદ આપવામાં આવી રહી છે. ” તેના બાદ પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ)એ ટ્વિટ કરી સહાય આપવાની જાહેરાત કરી. પીએમઓએ જણાવ્યું કે, “મોદીએ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે જીવ ગુમાવનાર લોકોના પરિવાર માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2-2 લાખ રૂપિયા આર્થિક મદદ આપવાની મંજૂરી આપી દીધી છે.” પીએમને ઈજાગ્રસ્ત લોકોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી. વડાપ્રધાનના આ બન્ને ટ્વિટ બાદ કમલનાથે પીએમ મોદી પર અન્ય રાજ્યોને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો. તેઓએ કહ્યું કે મોદીજી, તમે દેશના વડપ્રધાન છો, માત્ર ગુજરાતના જ નથી, એમપીમાં પણ કમોસમી વરસાદ તથા વાવાઝોડાના કારણે 10 વધુ લોકોના મોત થયા છે. પરંતુ તમારી સંવેદનાઓ માત્ર ગુજરાત પૂરતી સીમિત ? ભલે અહીં તમારી પાર્ટીની સરકાર નથી પરંતુ લોકો અહીં પણ રહે છે. કમલનાથના આ ટ્વિટના એક કલાક બાદ વડાપ્રધાન મોદીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મણિપુર અને દેશના અન્ય હિસ્સામાં થયેલા જાનમાલના નુકસાન પર દુખ વ્યક્ત કર્યું અને આર્થિક મદદ આપવાની જાહેરાત કરી. ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી તબાહી, 33 લોકોના મોત, જાણો વિગતેગુજરાતના કયા-કયા જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં અને કરાં પડ્યા, જાણો વિગત પીએમઓ એ ટ્વિટ કર્યું કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મણિપુર અને દેશના અન્ય ભાગમાં કમોસમી વરસાદ અને વાવાઝોડામાં જીવ ગુમાવનાર લોકો પ્રતિ દુખ વ્યક્ત કર્યું, તેઓએ કહ્યું કે કમોસમી વરસાદથી પ્રભાવિત લોકોને તત્કાળ રાહત પુરી પાડવા અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. પીએમ મોદીએ મૃતકોના પરિવાર માટે 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.