Mid-Air Collision:  ભારતીય વાયુસેનાના બે ફાઇટર જેટ મધ્ય પ્રદેશના મોરેના પાસે ક્રેશ થયા છે. આમાંથી એક વિમાન સુખોઈ-30 છે, જ્યારે બીજું વિમાન મિરાજ-2000 છે. આ મામલે ભારતીય વાયુસેના તરફથી એક નિવેદન બહાર આવ્યું છે. આ દુર્ઘટનામાં સામેલ ત્રણ પાયલોટમાંથી એક શહીદ થયા હતા. સાથે જ દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.






વાસ્તવમાં બંને પ્લેન મોરેના નજીક પહાડગઢ વિકાસખંડમાં જંગલની ઉપર હવામાં અથડાયા હતા અને આગ લાગી હતી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. વિમાનમાં હાજર તમામ પાયલટોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.


આ મામલે એરફોર્સનું કહેવું છે કે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી એ સ્પષ્ટ કરી શકશે કે અકસ્માત કેવી રીતે થયો હતો. જો કે, હવે તે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે બંને ફાઈટર જેટ મોરેનાના આકાશમાં જ એકબીજા સાથે અથડાયા હતા એટલે કે તેઓ મિડ-એર અથડામણનો ભોગ બન્યા હતા.






મોરેના વિમાન દુર્ઘટનામાં એક પાયલટ શહીદ થયા હતા. મોરેનાના એસપી આશુતોષ બાગરીએ જણાવ્યું હતું કે આજે સવારે ગ્વાલિયરથી  વિમાન મિરાજ અને સુખોઈએ ઉડાન ભરી હતી, એક વિમાનમાં બે પાયલટ અને બીજામાં એક પાયલટ હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં એક પાયલટ શહીદ થયો છે અને બેની સારવાર ચાલી રહી છે






આ વિમાનોને ગ્વાલિયર બેઝ પરથી ટ્રેનિંગ માટે ઉડાડવામાં આવ્યા હતા. બંને વિમાન રૂટીન ફ્લાઈટ પર હતા. હાલમાં નિષ્ણાતો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ટેકનિકલ ખામી અને પાયલટ્સને અનુભવ ન હોવાના કારણે બની છે.


આ દુર્ઘટનામાં સામેલ સુખોઈ-30 વિમાનમાં 2 પાયલટ હતા, જેમણે સમયસર પેરાશૂટનો ઉપયોગ કરીને જેટમાંથી કૂદકો માર્યો હતો. આ જ કારણ છે કે બંનેનો જીવ બચી ગયો હતો. આ દુર્ઘટનામાં સામેલ બીજા વિમાન મિરાજ 2000ના પાયલટને ગંભીર ઈજાઓ થઈ હતી. ડોક્ટરો તેની સારવાર કરે તે પહેલા જ તે શહીદ થઈ ગયા હતા.