Mood Of The Nation Survey for Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024નો ધમધમાટ શરૂ થઈ ગયો છે.  પોતાની ગત રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકથી જ ભાજપ લોકસભા ચૂંટણી માટે મિશન મોડમાં આવી ગયું છે. જ્યારે કોંગ્રેસ સહિત બાકીના પક્ષો હજુ પણ તેના માટે વ્યૂહરચના બનાવવામાં લાગી ગયા છે. કેટલાક વિરોધ પક્ષો હજુ પણ આશાવાદી છે કે ચૂંટણી પહેલા ત્રીજો મોરચો અસ્તિત્વમાં આવી જશે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેના રિપોર્ટ વિરોધ પક્ષોની ઉંઘ હરામ કરી શકે છે. આજે જ ચૂંટણી યોજાય તો કોની સરકાર રચાય તેને લઈને પણ ખુલાસો થયો છે. 


જનતાનો મૂડ શું છે તેનો ચિતાર આપતા સર્વેએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. 'મૂડ ઓફ ધ નેશન' સર્વેના પરિણામોમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો આજે ચૂંટણી થશે તો દેશમાં ફરી એકવાર બીજેપીના નેતૃત્વવાળી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનની સરકાર બનશે. આ સર્વે તાજેતરમાં સી-વોટર ફોર ઈન્ડિયા ટુડે દ્વારા કરવામાં આવ્યો હતો જેના પરિણામો ન્યૂઝ ચેનલ પર જાહેર થયા હતા. આ મામલે ઘણા નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.


આજે ચૂંટણી થશે તો કોની સરકાર બને?


સર્વે અનુસાર દેશની 543 લોકસભા સીટોમાંથી 298 સીટો પર એનડીએનો કબજો છે, 153 સીટો કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ અને 92 સીટો અન્ય પ્રાદેશિક પાર્ટીઓ પાસે જશે. સર્વેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, દેશના સૌથી મોટા રાજ્યમાં (લોકસભા બેઠકોની દૃષ્ટિએ) આજે ચૂંટણી થાય તો ભાજપને સૌથી વધુ બેઠકો મળશે. એટલે કે દેશ હોય કે દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ સર્વે મુજબ ભાજપ બંને સ્તરે ઐતિહાસિક પ્રદર્શન કરશે.


સર્વેમાં ઉત્તર પ્રદેશને લગતા પરિણામો શું છે?


સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 સીટો છે. છેલ્લી બે સામાન્ય ચૂંટણીઓમાં આ રાજ્યમાં ભાજપ અને એનડીએએ ભારે ધુમ મચાવી હતી. 2014ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે યુપીમાં 80માંથી 71 બેઠકો જીતી હતી અને એનડીએ  ગઠબંધનને 73 બેઠકો મળી હતી. જ્યારે 2019 સામાન્ય ચૂંટણીમાં યુપીમાં ભાજપને 62 અને એનડીએને 64 બેઠકો મળી હતી. 2019માં બીજેપીનું પ્રદર્શન અગાઉ કરતા ખરાબ રહ્યું હતું. પરંતુ તેણે સૌથી વધુ સીટો જરૂરથી જીતી હતી. હવે જો મૂડ ઓફ ધ નેશન સર્વેના પરિણામો જોઈએ તો જો આજે ચૂંટણી થાય તો રાજ્યની 80માંથી 70 સીટો એનડીએ જીતી શકે છે, એટલે કે ભાજપ અહીં 2014નું ફરી એકવાર પુનરાવર્તન કરી શકે છે.


ફરી એકવાર સ્પષ્ટ કરી દઈએ કે સર્વના પરિણામો 2024ની લોકસભાની ચૂંટણી વિશે નથી, પરંતુ જો આજે ચૂંટણી યોજાય તો કોની સરકાર બને એ પ્રશ્ન પર આધારિત છે. સર્વે પરથી એવી અટકળો જરૂરથી લગાવી શકાય કે, 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ દેશ અને દેશના સૌથી મોટા રાજ્યમાં ફરી એકવાર ઐતિહાસિક પ્રદર્શન કરી શકે છે. ભાજપની તરફેણમાં તાજેતરના સર્વેના પરિણામો વિરોધ પક્ષોની ઊંઘ હરામ કરી રહ્યા છે. જો કે, કેટલાક રાજ્યોમાં મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પણ આ પરિણામોમાં વધુ સારું પ્રદર્શન કરી રહી છે, જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર અને બિહારનો સમાવેશ થાય છે.


કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોની કેમ ઉડી છે ઉંઘ?


કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોની ઊંઘ હરામ થઈ ગઈ છે કારણ કે 'મૂડ ઓફ ધ નેશન' સર્વેમાં દેશની 543 લોકસભા બેઠકોમાંથી 153 બેઠકો કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએને જ્યારે 92 બેઠકો અન્ય પક્ષોને મળતી દર્શાવવામાં આવી છે. દેશમાં સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો 272 છે. આ દૃષ્ટિએ જો યુપીએ અને અન્ય પક્ષોની બેઠકો ઉમેરવામાં આવે તો પણ આંકડો માત્ર 254 પર જ પહોંચે. જે જરૂરી બહુમતીના 272ના આંકડા કરતાં ઘણો ઓછો છે. એટલે કે વર્તમાન સર્વેના પરિણામોમાં ભાજપ ફરી એકવાર સરકાર બનાવી રહી હોવાનું દર્શાવી રહી છે. 


સ્વાભાવિક છે કે, કોંગ્રેસ સહિત અન્ય પક્ષો સર્વેના પરિણામોને ગંભીરતાથી લેશે તો તેઓ ક્યાંક ને ક્યાંક વિચલિત થઈ શકે છે. જોકે, ચૂંટણીને આડે હજી લગભગ દોઢ વર્ષ બાકી છે, તેથી આ મિજાજના પરિણામો પણ તમામ પક્ષોને વધુ મહેનત કરવા પ્રેરિત કરી શકે છે.