ભોપાલઃ મધ્યપ્રદેશની પંચાયત ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાની નામાંકનની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. જોકે કેટલાક પંચાયતોમાંથી એવા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં લોકતંત્રમાં બહુમતથી બોલી લાગી રહી છે. એટલે કે ચૂંટણી અગાઉ નક્કી થઇ જાય છે કે ગામના આગામી સરપંચ કોણ હશે. મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાના એક ગ્રામ પંચાયતમાં ચૂંટણી અગાઉ જ ગામના લોકોએ સરપંચની પસંદગી કરી લીધી હતી અને આ માટે લાખો રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી.
વાસ્તવમાં પંચાયતની ચૂંટણીમાં ગામના લોકોએ સરપંચ પદ માટે હરાજી કરાવી હતી. એટલે કે જે વધારે પૈસા ખર્ચ કરશે તેને સર્વસંમતિથી ગામના સરપંચ બનાવવામાં આવશે. ગામ લોકોનું કહેવું છે કે આ પૈસા ગામના વિકાસમાં ખર્ચ કરવામાં આવશે. અશોકનગર જિલ્લાના ભટોલી ગ્રામ પંચાયતમાં સરપંદના પદ માટે હરાજી કરાવાઇ હતી. અહી 44 લાખ રૂપિયાની બોલી લગાવી ગામના સોભાગસિંહ વિજયી બન્યા હતા.
વાસ્તવમાં સોભાગસિંહે 44 લાખ રૂપિયાની બોલી લગાવીને ગામના સરપંચ પદ પર પોતાનો દાવો ઠોક્યો હતો. હવે ગામના વિકાસ કાર્યોમાં આ 44 લાખ રૂપિયા ખર્ચમાં આવશે અને ગામના લોકોએ સર્વસંમતિથી ગામના સરપંચની પસંદગી કરી હતી. ગામના સરપંચ પદ માટેની હરાજી 21 લાખ રૂપિયાથી શરૂ થઇ હતી જે 44 લાખ રૂપિયા પર ખત્મ થઇ હતી. ચાર લોકો આ હરાજીમાં સામેલ થયા હતા અને અંતમાં સોભાગસિંહ વિજયી બન્યા હતા.
સોભાગસિંહે કહ્યું કે તેઓ આ પૈસાનો ઉપયોગ ગામના વિકાસ કાર્યોમાં કરશે. ગામમાં પાણી, રસ્તો અને અન્ય જે જરૂરી કામ હશે તેને પુરા કરવામાં આવશે. નોંધનીય છે કે ભટોલી ગામમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે પરંતુ તે અગાઉ ગામના લોકોએ સરપંચની પસંદગી કરી લીધી છે.