નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે. હવે તે 'અમૃત ઉદ્યાન'ના નામથી ઓળખાશે. વાસ્તવમાં રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન તેની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે.

Continues below advertisement






 


કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુગલ ગાર્ડનનું નામ બદલ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને સરકારે મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કર્યું છે. નોંધનીય છે કે આ પહેલા દિલ્હીમાં ઘણા મુગલ શાસકોના નામ પર બનેલા રસ્તાઓના નામ પણ બદલવામાં આવ્યા હતા. ઔરંગઝેબ રોડનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ રોડ કરવામાં આવ્યું હતું.


આ ગાર્ડન 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી સામાન્ય લોકો માટે ખુલ્લો રહેશે


રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમૃત ઉદ્યાન (મુગલ ગાર્ડન) આ વર્ષે 31મી જાન્યુઆરીથી 26મી માર્ચ સુધી જનતા માટે ખુલ્લો રહેશે. આ પછી તે 28 માર્ચે ફક્ત ખેડૂતો માટે અને 29 માર્ચે દિવ્યાંગ લોકો માટે ખોલવામાં આવશે. આ પછી 30 માર્ચે પોલીસ, સુરક્ષા દળો અને સેનાના પરિવારો માટે ગાર્ડન ખુલ્લો મુકવામાં આવશે. આ દરમિયાન મુલાકાતીઓ સુંદર ફૂલોનો આનંદ માણી શકશે. ઉલ્લેખનીય છે કે અમૃત ઉદ્યાન (મુગલ ગાર્ડન)માં 12 પ્રકારના સુંદર ટ્યૂલિપ ફૂલો છે. આ ગાર્ડન ટૂંક સમયમાં સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યો છે. આ બગીચામાં અનેક પ્રકારના સુંદર ફૂલોના છોડ લગાવવામાં આવ્યા છે. તેમાંથી ટ્યૂલિપ્સ અને ગુલાબ મોટાભાગના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.


એન્ટ્રી ઓનલાઈન પાસ દ્વારા મળશે


રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમૃત ઉદ્યાનમાં ફક્ત તે જ લોકોને જવાની મંજૂરી આપવામાં આવશે જેઓ ઓનલાઈન એડવાન્સ બુકિંગ દ્વારા પાસ લઈને આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષાના કારણોસર, સાવચેતીના ભાગરૂપે વોક-ઇન એન્ટ્રીની સુવિધા નહીં હોય.


ગાર્ડન સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. અમૃત ઉદ્યાન જવા માટે સવારના 10 થી બપોરે 12 વાગ્યા સુધી 7 હજાર 500 લોકોને જ ટિકિટ આપવામાં આવશે. આ પછી, સાંજે 12 થી 4 દરમિયાન બગીચાની મુલાકાત લેવા માટે 10,000 લોકોને ફરીથી પાસ આપવામાં આવશે.