નવી દિલ્હીઃ તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન માટે પરમવીર ચક્રની માંગ કરી હતી. પરમવીર ચક્ર યુદ્ધકાળ દરમિયાન અદમ્ય સાહસ  અને વીરતા માટે આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા એક પત્રમાં મુખ્યમંત્રી પલાનીસ્વામીએ કહ્યું હતું કે, એરફોર્સના પાયલટ અભિનંદન વર્તમાને પ્રતિકૂળ હાલતમાં ધીરજ અને અદભૂત હિંમતનો પરીચય આપ્યો છે. તેને સર્વોચ્ચ પુરસ્કાર  એનાયત કરવો યોગ્ય રહેશે. નોંધનીય છે કે વિંગ કમાન્ડર અભિનંદન તમિલનાડુનો રહેવાસી છે.


મુખ્યમંત્રીએ કહ્યું કે, વિશ્વ સ્તરે વડાપ્રધાન મોદીની કૂટનીતિક પહેલ અને ઇન્ટરનેશનલ દબાણના કારણે પાકિસ્તાનને અભિનંદનને 48 કલાકમાં છોડવા માટે  મજબૂર કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, વિંગ કમાન્ડર અભિનંદને દુશ્મનો  સામે જે  આત્મવિશ્વાસ અને દૃઢ ઇચ્છાશક્તિનો પરીચય આપ્યો છે. આવું કરીને તેણે અનેક દિલોને જીતી લીધા છે. જેને કારણે તેને ભારતનો સર્વોચ્ચ સૈન્ય પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત  કરવો જોઇએ.

નોંધનીય છે કે ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીમાં ફક્ત 21 સૈનિકોને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. કારગીલ યુદ્ધના સમયમાં શાનદાર વીરતાનું પ્રદર્શન કરનારા કેપ્ટન વિક્રમ બત્રાને મરણોપરાંત  આ સન્માન  આપવામાં આવ્યું હતું.