નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીના પગલે છેલ્લા સાત મહિનાથી બંધ મલ્ટીપ્લેક્સ 15 ઓકટોબરથી શરૂ કરવા માટે કેંદ્ર સરકારે મંજૂરી આપી છે. આજે કેંદ્ર સરકાર તરફથી મલ્ટિપ્લેક્સ માટે એસઓપી જાહેર કરવામા આવી છે.

15 ઓક્ટોબરથી 50 ટકા કેપેસિટી સાથે મલ્ટિપ્લેક્સ શરૂ કરી શકાશે. બે સીટ વચ્ચે એક સીટ ખાલી છોડવાની રહેશે. ખાલી સીટ પર નોટ ટુ બી ઓક્યુપાઈડ લખવાનું રહેશે. હોલની અંદર જ ફૂડની જ મંજૂરી આપવામા આવશે. યોગ્ય વેન્ટિલેશનની વ્યવસ્થા કરવી પડશે.

મલ્ટિપ્લેક્સમાં એસીનું ટેમ્પરેચર 23 ડિગ્રી પર રાખવામાં આવશે. શો દરમિયાન કોરોના અવેરનેસ માટે 1 મિનિટની ફિલ્મ દેખાડવાની રહેશે. એક શો પુરો થયા પછી હોલને સેનેટાઈઝ કરવામાં આવશે, પછીથી લોકો આવીને બેસી શકશે. સિંગલ સ્ક્રીન સિનેમા હોલમાં ટિકિટ બુકિંગ માટે વધુ વિન્ડો ખોલવી પડશે. ઓનલાઈન ટિકિટ બુકિંગને પ્રોત્સાહન આપવા સૂચન કરવામા આવ્યું છે.