મુંબઈઃ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં આવેલ સાંઇ મંદિરમાં કોરોનાના કેસ સામે આવ્યા છે. સાંઇ મંદિરના 13 કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો છે. એક દિવસ પહેલા જ સાંઈ મંદિરના 17 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જેમાંથી 13 કર્મચારી પોઝિટિવ મળી આવ્યા છે. હાલમાં બીએમસી આ 13 કોરોના સંક્રમિતના સંપર્કમાં આવેલ લોકોની તપાસ કરી રહી છે. લોકડાઉન દરમિયાન આ સાંઈ મંદિરમાંથી ગરીબોને અનાજ અને ખાવાનું વહેંચવામાં આવ્યું હતું.


મુંબઈમાં એક જ દિવસમાં સૌથી વધારે કેસ

મુંબઈમાં કોરોના વાયરસના એક દિવસમાં સૌથી વધારે 998 કેસ સામે આવ્યા બાદ શહેરમાં કોવિડ-19ના કેસ ગુરુવારે વધીને 16,579 થયા છે. બીએમસી અનુસાર મુબંઈમાં વાયરસને કારણે વધુ 25 લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક વધીને 621એ પહોંચ્યો છે

ગુરુવારે 443 લોકોને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 4234 લોકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

શું છે સમગ્ર મહારાષ્ટ્રની સ્થિતિ

મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1602 કેસ સામે આવ્યા છે, જે રાજ્યમાં એક દિવસમાં સૌથી વધારે છે. તેની સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ગુરુવારે 27,524 થઈ ગઈ છે. આ વાયરસને કારણે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1019 લોકોના મોત થયા છે.

રાજ્યમાં સૌથી વધારે કેસ 1495 બુધવારે સામે આવ્યા હતા જોકે ગુરુવારે સૌથી વધારે 1602 કેસ આવ્યા હતા. અધિકારી અનુસાર 512 લોકોનો સારવાર બાદ રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 6059 લોકો સાજા થઈને ઘરે ગયા છે.