મુંબઈમાં સતત ધોધમાર વરસાદ લોકો માટે આફત બની ગયો છે. વરસાદને કારણે માત્ર રોડ ટ્રાન્સપોર્ટ જ નહીં પરંતુ હવાઈ સેવાને પણ અસર થઈ છે. છેલ્લા સોમવારથી ભારે વરસાદને કારણે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રનવેની કામગીરી 02:22 થી 03:40 કલાક સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.






મુંબઈમાં ભારે વરસાદને કારણે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે


ભારે વરસાદને જોતા મુંબઈ આવતી ઘણી ફ્લાઈટોને પણ ડાયવર્ટ કરવામાં આવી હતી. ઓછી વિઝિબિલિટીના કારણે રનવે પરની ઓપરેશનલ ગતિવિધિઓ એક કલાકથી વધુ સમય માટે રોકી દેવામાં આવી હતી અને 50 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. સીએસએમઆઈએ મુસાફરોને મદદ કરવા અને તેમને જરૂરી સહાય પૂરી પાડવા માટે એરપોર્ટના કર્મચારીઓને ટર્મિનલ પર તૈનાત કર્યા છે.


આ ઉપરાંત મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને CSMIAએ વધારાની બેઠક અને પાણીની પણ વ્યવસ્થા કરી છે. એરપોર્ટ ઓથોરિટી સ્થાનિક સત્તાવાળાઓ સાથે પણ સંપર્કમાં છે અને તેણે મુસાફરોને તેમની સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવા અને એરપોર્ટ પર આગમન પહેલાં સમયપત્રક તપાસવા વિનંતી કરી છે. તેણે કહ્યું હતું કે મુસાફરો, કર્મચારીઓ અને ભાગીદારોની સલામતી અને સુખાકારી તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.


રેલવે ટ્રેક પર ભરાયા પાણી


રેલવે ટ્રેક પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકલ ટ્રેનોની ગતિ પણ ધીમી થઈ ગઈ છે. સેન્ટ્રલ રેલવે પર કર્જત-ખોપોલી, કસારાથી CSMT લોકલ ટ્રેનો માત્ર ઠાણે સુધી દોડી રહી છે. ભાંડુપ સ્ટેશન પર રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે મધ્ય રેલવે લાઇનને અસર થઇ છે. કુર્લા-માનખુર્દ સ્ટેશન પર પણ રેલવે ટ્રેક પર પાણી ભરાઇ જવાના કારણે હાર્બર રૂટની લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે.


હવામાન વિભાગે આ માહિતી આપી


હવામાન વિભાગે આગામી 3-4 દિવસમાં મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં 8 જુલાઈથી 10 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે.