Mumbai Rains: મુંબઈમાં વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. તેને જોતા BMCએ મુંબઈની તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી છે. BMC શિક્ષણ વિભાગના આદેશ મુજબ તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે. આ સિવાય નવી મુંબઈ અને ઠાણે, રાયગઢની તમામ શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈ શહેરમાં સોમવારે નવ કલાકમાં 101.8 મિલીમીટર (mm) વરસાદ નોંધાયો હતો, જે તે જ સમયગાળા દરમિયાન તેના ઉપનગરો કરતાં લગભગ સાત ગણો વધારે છે, જ્યારે મહારાષ્ટ્રના કેટલાક અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થયો હતો.
ભારતીય હવામાન વિભાગ (IMD) મુંબઈના વૈજ્ઞાનિક સુષ્મા નાયરે જણાવ્યું હતું કે શહેરના કોલાબા હવામાન કેન્દ્રમાં સવારે 8.30 થી સાંજના 5.30 વાગ્યા સુધી 101.8 મીમી વરસાદ નોંધાયો હતો.
તેનાથી વિપરીત સાંતાક્રુઝ હવામાન કેન્દ્ર જે મુંબઈના ઉપનગરો માટે હવામાન માપદંડોનું માપન કરે છે, તેણે સવારે 8.30 થી સાંજના 5.30 વાગ્યા સુધી માત્ર 14.8 મીમી વરસાદ નોંધ્યો હતો."પડોશી રાયગઢ જિલ્લામાં ભારે વરસાદ થયો છે. કોલાબા હવામાન મથક રાયગઢ જિલ્લાની નજીક હોવાથી હવામાન મથકે ભારે વરસાદ નોંધાયો છે," નાયરે જણાવ્યું હતું. IMDએ જણાવ્યું હતું કે દરિયાકાંઠાના રત્નાગીરી જિલ્લામાં 117.9 મીમી વરસાદ નોંધાયો હતો.
નાયરે કહ્યું હતું કે “અમે મંગળવારે સવારે 8.30 વાગ્યા સુધી મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ (ભારેથી ભારે વરસાદનો સંકેત) જાહેર કર્યું હતું, તે પછી તેને ડાઉનગ્રેડ કરીને યલો એલર્ટ (દિવસ દરમિયાન ભારે વરસાદના સંકેત) કરવામાં આવ્યું હતું. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.
હવામાન વિભાગે કહ્યું હતું કે મંગળવારે સતારા અને પુણે જિલ્લાના ઘાટ વિસ્તારો સહિત મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે અને આ સ્થળો માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ કોંકણ માટે પણ 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લાનો સમાવેશ થાય છે.