મુંબઈઃ મુંબઈ પોલીસને મળેલા એક ગુમનામ કોલથી હલચલ મચી ગઈ છે. ગઈકાલે અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને મુંબઈના ત્રણ મુખ્ય રેલવે સ્ટેશન તથા અમિતાભ બચ્ચનના બંગલા પર બોંબ મુક્યો હોવાની વાત કરી હતી. આ ખબર મળ્યા બાદ ત્રણેય અગ્રણી રેલવે સ્ટેશન અને બોલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના બંગલા બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. જોકે તલાશી દરમિયાન હજુ સુધી કોઈ વસ્તુ મળી નહોતી.
પોલીસ અધિકારીએ કહ્યું કે, મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં શુક્રવારે રાતે ફોન આવ્યો હતો. જેમાં તેણે કહ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ (સીએસએમટી), ભાયખલા, દાદર રેલવે સ્ટેશન અને અભિનેતા અમિતાભ બચ્ચનનાના જૂહુ સ્થિત બંગલે ફોન રાખવામાં આવ્યો છે. આ કોલ મળ્યા બાદ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને સ્થાનિક પોલીસે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. હાલ અહીંયા મોટી માત્રામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.
ફોન કોલને ગંભીરતથી લઈ પોલીસે જે નંબરથી ફોન આવ્યો હતો તેના પર વળતો કોલ કર્યો હતો. જેમાં ફોન કરનારા વ્યક્તિએ મને પરેશાન ન કરો કહી ફોન કાપી નાંખ્યો હતો. તે બાદ તેણે ફોન સ્વીચ ઓફ કરી દેતાં સંપર્ક થઈ શક્યો નહોતો. અજ્ઞાત ફોનની સૂચના મળ્યા બાદ પોલીસે તત્કાલે ચારેય જગ્યાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. સંબંધિત સ્થાન પર બોમ્બ સ્કવોડ તહેનાત કરી દેવામાં આવી હતી.
મુંબઈ ક્રાઈમ બ્રાંચના ક્રાઈમ ઈંટેલિજેન્સ યુનિટે આ સંદર્ભે બે લોકોની અટકાયત કરી છે. તેમની ફોન કોલ સંદર્ભે તપાસ કરવામાં આવી છે. આ લોકોએ મુંબઈમાં વિવિધ સ્થળોએ બોંબ મુક્યો હોવાનો ફોન કર્યો હતો.