Mumbai : મુંબઈમાં આજે વધુ એક ઈમારત ધરાશાયી થવાના સમાચાર છે. બોરીવલી વેસ્ટના સાંઈબાબા નગરમાં ગીતાંજલિ નામની ચાર માળની ઈમારત આજે ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તે અંગે હાલમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.બીજી તરફ અકસ્માતની માહિતી મળતા જ તમામ ફાયર બ્રિગેડ અને પોલીસની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘટનાસ્થળે ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ હાજર છે. હાલ રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
ફાયરની ગાડીઓ સ્થળ પર હાજર છે
આ ઇમારતને તેની જર્જરિત હાલતને કારણે પહેલેથી જ ખાલી કરવામાં આવી હતી. આમ છતાં કોઈ ફસાયું છે કે કેમ તેની ખાતરી કરવા માટે ફાયર બ્રિગેડ તપાસ કરી રહી છે. હાલમાં 8 ફાયર ગાડીઓ, 2 રેસ્ક્યુ વાન, 1 ક્વિક રિસ્પોન્સ વ્હીકલ અને 3 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે હાજર છે.
આ પહેલા 9 જૂને મુંબઈના બાંદ્રામાં એક ઈમારત ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે 16 લોકો ઘાયલ થયા હતા.
ત્રણ દિવસ પહેલા મુંબઈના મુલુંડ વિસ્તારમાં સાંજે લગભગ 7.45 વાગ્યે નાનાપાડા સ્થિત મોતી છાયા બિલ્ડીંગમાં એક મકાનની છત ધરાશાયી થવાને કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 93 વર્ષીય નાથાલાલ શુક્લ અને 87 વર્ષીય આર્ચીબેન દેવશંકર શુક્લાનો સમાવેશ થાય છે.