મુંબઈ: મુંબઈ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે, સમગ્ર શહેરમાં કરફ્યૂ લાદવામાં આવ્યું છે, તેમ છતાં લોકોની સતત બેજવાબદારીના કારણે કોરોનાને આમંત્રણ આપી રહ્યાં છે. મુંબઈમાં કૉંગ્રેસ નેતા ચંદ્રકાંત હંડોરે કોરોનાથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા હતા ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓએ સોશિયલ ડિસ્ટસિંગના નિયમનું ઉલ્લંઘ કર્યું હતું.


કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી ચંદ્રકાંત હંડોરે કોરોનાથી સ્વસ્થ થઈને હોસ્પિટલથી ઘરે આવ્યા હતા. નેતાજીના ઘરે આવવાની જાણ થતાં કાર્યકર્તાઓની ભીડ ઉમટી પડી, લોકોએ આતશબાજી કરી,ઢોલ વગાડ્યા અને સોશિયલ ડિસ્ટસિંગના નિયમના ધજાગરા ઉડાડ્યા હતા.

મુંબઈમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 38,442 સુધી પહોંચી ગઈ છે. મુંબઈમાં અત્યાર સુધી 1227 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 1510 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 54 લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય વિભાગ અનુસાર, રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 65 હજારને પર પહોંચી ગઈ છે અને 2197 લોકોના કોરોનાથી મોત થયા છે.