મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સાંજે સાત વાગ્યે જાહેર થયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 25,681 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. છેલ્લા 24 કલાકમાં 70 લોકોના મોત થયા છે. રાજ્યમાં ગુરુવારે 25,833 નવા કેસ નોંધાયા હતા, જે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.


આર્થિક રાજધાની મુંબઈમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. શહેરમાં આજે એક જ દિવસમાં 3062 નવા કેસ સામે આવ્યા છે જે ગત વર્ષે મહામારી શરૂ થયા બાદ એક દિવસમાં સૌથી વધુ કેસ છે.


મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ  24,22,021 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી  21,89,965 લોકો સ્વસ્થ થયા છે અને  53,208 લોકોના મોત થયા છે.  1,77,560 લોકોની હાલ સારવાર ચાલી રહી છે. 



લોકડાઉનને લઈને મુખ્યમંત્રીનું નિવેદન


કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે લોકડાઉન વિકલ્પ છે પરંતુ તેમને વિશ્વાસ છે કે લોકો પોતે જ નિયમોનું પાલન કરશે. સાથે જ તેમણે કહ્યું કે જ્યારે ગત વર્ષે મહામારી શરૂ થઈ હતી, ત્યારે વાયરસ સામે લડવા માટે કંઈ નહોતું, પરંતુ હાલ આપણી પાસે ઢાલ તરીકે રસી તો છે. હવે પ્રાથમિક્તાએ છે કે તમામને રસી આપવામાં આવે. રસીકરણ માટે લોકોએ આગળ આવવું જોઈએ. તેમણે કહ્યું કેંદ્ર સરકારે આશ્વાસન આપ્યું છે કે રસીની અછત નહી થાય.



મહારાષ્ટમાં પ્રતિબંધ વધ્યા


મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા રાજ્ય સરકારે થિયેટર અને સભાગાર આવનારા લોકોની સંખ્યા સિમિત કરવાનો નિર્દેશ કર્યો છે. સરકારે કહ્યું કે 31 માર્ચ સુધી 50 ટકા ક્ષમતા સાથે સંચાલન કરવામાં આવે. સૂચના અનુસાર સભાગારનો ઉપયોગ ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક અને સામાજિક બેઠક માટે નહી કરવામાં આવે. 


ગુજરાતમાં કોરોનાના 1415 કેસ


ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં  1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર  લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  આજે ગુજરાતમાં  948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.27  ટકા પર પહોંચ્યો છે. હાલ 6147  એક્ટિવ કેસ છે, જેમાંથી 67   લોકો વેન્ટિલેટર પર અને 6080 લોકો સ્ટેબલ છે.