મુંબઈ: માયાનગરીમાં મુંબઈની એક અદાલતે, ઘરેલું હિંસા કેસમાં અવલોકન કર્યું છે કે પાળતુ પ્રાણી લોકોને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરે છે અને સંબંધોમાં તકરારને કારણે ભાવનાત્મક શૂન્યતા દૂર કરે છે. આ કેસમાં એક મહિલાએ તેના વિખૂટા પડી ગયેલા પતિ પાસેથી એવું કહીને ભરણપોષણની માંગ કરી છે કે તેને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છે અને ત્રણ પાલતુ કૂતરા પણ તેના પર નિર્ભર છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (બાંદ્રા કોર્ટ) કોમલસિંહ રાજપૂતે 20 જૂનના રોજ પસાર કરેલા વચગાળાના આદેશમાં પુરુષને તેની 55 વર્ષીય પત્નીને ભરણપોષણ તરીકે દર મહિને 50,000 રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો અને તેની અરજી ફગાવી દીધી હતી કે પાલતુ કૂતરાઓનું ભરણપોષણ ન આપી શકાય. આ બાબતે વિગતવાર ઓર્ડર તાજેતરમાં ઉપલબ્ધ થયો છે.


મેજિસ્ટ્રેટે કહ્યું, 'હું આ દલીલો સાથે સહમત નથી. પાળતુ પ્રાણી પણ સંસ્કારી જીવનશૈલીનો અભિન્ન ભાગ છે. પાળતુ પ્રાણી સ્વસ્થ માનવ જીવન માટે જરૂરી છે કારણ કે તેઓ સંબંધોના તૂટવાથી થતા ભાવનાત્મક અંતરને ભરે છે. કોર્ટે કહ્યું કે આથી ભરણપોષણની રકમ ઘટાડવાનો આધાર હોઈ શકે નહીં. મહિલાએ કોર્ટમાં કહ્યું હતું કે તેણીએ સપ્ટેમ્બર 1986માં પ્રતિવાદી (બેંગ્લોર સ્થિત વેપારી) સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ઘણા વર્ષો પછી, તેમની વચ્ચે કેટલાક મતભેદો ઉભા થયા અને 2021 માં, પ્રતિવાદીએ તેણીને મુંબઈ મોકલી.


અરજી અનુસાર, તેણે તેની પત્નીને ભરણપોષણ અને અન્ય મૂળભૂત જરૂરિયાતોની ખાતરી આપી હતી, પરંતુ વચન પાળ્યું ન હતું. તેમના લગ્ન જીવન દરમિયાન, તેણે ઘણી વખત ઘરેલું હિંસા કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે મહિલા પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી. તે બીમાર છે અને તેને સ્વાસ્થ્ય સમસ્યાઓ છે. આ સિવાય ત્રણ કૂતરાઓની જવાબદારી પણ તેના પર છે.


વાસ્તવમાં, મહિલાએ ઘરેલું હિંસા અધિનિયમની કલમ 12 હેઠળ દર મહિને 70,000 રૂપિયાનું ભરણપોષણ માંગ્યું હતું, પરંતુ તેના પૂર્વ પતિએ તેને આ આધાર પર પડકાર્યો હતો કે તે તેના 3 પાલતુ કૂતરા માટે પણ ભરણપોષણ ઇચ્છે છે. કોર્ટે અરજીને આંશિક રીતે સ્વીકારી હતી અને દર મહિને રૂ. 50,000 નું ભરણપોષણ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.





Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial